જુનિયર ટપુ અને જુનિયર લાલો તરીકે જાણીતા રાજકોટના જેનિસ હવે શ્રીકૃષ્ણની ભૂમિકામાં જોવા મળશે
રાજકોટ
રાજકોટના યુવા કલાકાર જેનિસ બુધ્ધદેવએ નાની ઉંમરે પોતાની આગવી ઓળખ ઉભી કરીને હવે મનોરંજન ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજકોટમાં જુનિયર ટપુ અને જુનિયર લાલો તરીકે જાણીતા જેનિસની હવે પ્રતિષ્ઠિત T-Series Regionalમાં ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે.
આગામી 31 ઓગસ્ટ, 2026ના રોજ T-Series Regionalના ઓફિશિયલ પ્લેટફોર્મ પર ‘ઓ દ્વારિકાવાળા’ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે. શ્રીકૃષ્ણ ભગવાનને સમર્પિત આ ગીતનું દિગ્દર્શન સફળ ડિરેક્ટર રાજવિંદરસિંગ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેનું નિર્માણ જલ્પા દક્ષિણી દ્વારા કરવામાં આવ્યું છે.
આ ગીતનું શૂટિંગ ભગવાન શ્રીકૃષ્ણની પાવન નગરી દ્વારિકામાં કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ગીતમાં રાજકોટના યુવા કલાકાર જેનિસ બુધ્ધદેવ ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રાજકોટ માટે આ ક્ષણ ગૌરવની ગણાઈ રહી છે.
ગીતના પ્રમોશન અંતર્ગત 29 ઓગસ્ટે પોસ્ટર રિલીઝ, 30 ઓગસ્ટે ટીઝર આઉટ અને 31 ઓગસ્ટે ગીતનું ઓફિશિયલ લોન્ચિંગ કરવામાં આવશે.
અનેક સિરિયલ અને ફિલ્મોમાં અભિનય
જેનિસ બુધ્ધદેવ બાળપણથી જ એક્ટિંગ પ્રત્યે રસ ધરાવે છે. પોતાની પ્રતિભા અને સતત મહેનતના બળે તેણે અત્યાર સુધીમાં અનેક જાણીતી હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે.
જેનિસે ‘અહિલ્યાબાઈ’, ‘મેરે સાઈ’, ‘વિઘ્નહર્તા ગણેશ’, ‘રાધાકૃષ્ણ’ અને ‘ડૉ. બી. આર. આંબેડકર’ સહિતની જાણીતી સિરિયલોમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત 2 ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થયેલી ‘ધમણ’ ફિલ્મમાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
મુંબઈમાં સંઘર્ષ બાદ સફળતાની નવી સફર
જેનિસે બાળપણથી જ એક્ટિંગને પોતાની કારકિર્દી બનાવવાનું સપનું જોયું હતું. આ સપનાને સાકાર કરવા માટે તેણે મુંબઈમાં પણ લાંબો સંઘર્ષ કર્યો અને સતત પોતાના અભિનય પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
નાની ઉંમરે મળેલી આ મોટી સફળતા પાછળ તેની મહેનત, લગન અને સતત સંઘર્ષ રહેલો છે. આજે પણ જેનિસ પોતાના મિત્રો અને ચાહકોને મળવા માટે સમય ફાળવે છે.
રાજકોટના આ યુવા કલાકારની T-Seriesમાં એન્ટ્રી માત્ર જેનિસ માટે જ નહીં, પરંતુ રાજકોટના કલા જગત અને સમગ્ર રઘુવંશી સમાજ માટે પણ ગૌરવની ક્ષણ છે.
જેનિસની સફળતાની સફર આજની યુવા પેઢી માટે એક સંદેશ સમાન છે—સપનું મોટું હોય, મહેનત સતત હોય અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત હોય તો સફળતા ચોક્કસ મેળવી શકાય છે.











