સોશિયલ મીડિયામાં સામે આવેલા સ્ટિંગ ઓપરેશનમાં ગાંધીનગર યુનિવર્સિટીમાં ધોરણ-12 નાપાસ વિદ્યાર્થીઓના એડમિશનને લઈને ચોંકાવનારા દાવાઓ કરવામાં આવ્યા છે. સોશીયલ મીડિયા ના ક્રાઈમ રિપોર્ટર દ્વારા કરવામાં આવેલા ખુલાસા બાદ શિક્ષણ જગતમાં ચર્ચા તેજ બની છે.
સ્ટિંગમાં કરવામાં આવેલા દાવા મુજબ, ધોરણ-12માં નાપાસ વિદ્યાર્થી પણ ગાંધીનગર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે છે. આ માટે પ્રથમ સેમેસ્ટરની સંપૂર્ણ ફી રોકડમાં ચૂકવવાની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સૌથી ગંભીર દાવો એ છે કે, વિદ્યાર્થી બાદમાં NIOS મારફતે ધોરણ-12 પાસ કરે તો નાપાસની માર્કશીટના સ્થાને પાસની માર્કશીટ રજૂ કરી શકાય છે. પરિણામ નિર્ધારિત સમયમર્યાદામાં ન આવે તો એડમિશન રદ થવાની અને ભરેલી ફી પરત ન મળવાની વાત પણ સ્ટિંગમાં સામે આવી હોવાનું જણાવાયું છે.
દસ્તાવેજો અંગે પણ ખુલાસો
સ્ટિંગમાં એડમિશન માટે ધોરણ-10ની માર્કશીટ, ધોરણ-12ની માર્કશીટ, એલ.સી., આધારકાર્ડ અને ફોટોગ્રાફ જેવા દસ્તાવેજોની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે જો ધોરણ-12 નાપાસ વિદ્યાર્થીને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવે છે, તો પ્રવેશના નિયમો અને પાત્રતા અંગે યુનિવર્સિટીની સત્તાવાર પ્રક્રિયા શું છે?
NIOS કનેક્શનની તપાસ જરૂરી?
સ્ટિંગ ઓપરેશનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જો સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ થાય તો NIOSના નામે ચાલતા કથિત બોગસ એડમિશન અને બનાવટી સર્ટિફિકેટના નેટવર્ક અંગે પણ મહત્વની માહિતી સામે આવી શકે છે.
જોકે, આ તમામ દાવાઓની સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ થવી હજુ બાકી છે. તેથી શિક્ષણ વિભાગ અને સંબંધિત સત્તાધીશો દ્વારા સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
હવે તંત્રની કસોટી
સ્ટિંગ ઓપરેશનમાં કરાયેલા દાવાઓ સાચા છે કે કેમ? યુનિવર્સિટીના એડમિશન નિયમોનું પાલન થયું છે કે નહીં? NIOS સંબંધિત કોઈ ગેરરીતિ છે કે નહીં? અને જો ગેરરીતિ થઈ હોય તો તેની જવાબદારી કોની?
આ સવાલોના જવાબ હવે શિક્ષણ વિભાગ અને ગાંધીનગર યુનિવર્સિટીના સત્તાધીશો પાસેથી અપેક્ષિત છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ ગંભીર આક્ષેપોમાં જો તથ્ય હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને જો આક્ષેપો ખોટા હોય તો યુનિવર્સિટી દ્વારા સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવામાં આવે—એવી માંગ શિક્ષણ જગતમાં ઉઠી રહી છે.











