જેતપુરના RTI એક્ટિવિસ્ટે ખોલ્યો વીજતંત્રના કૌભાંડનો ભાંડો!

રાજકોટથી તપાસમાં ઢીલ બાદ વડી કચેરીએ સંભાળી તપાસ, રૂ.80 લાખના મટીરીયલ કૌભાંડમાં 3 ઇજનેર સહિત 5 અધિકારી સસ્પેન્ડ

રાજકોટ, તા. 8: જેતપુર વીજ સબ-ડિવિઝનમાં આશરે રૂ.80 લાખના મટીરીયલ કૌભાંડના પ્રકરણમાં વીજતંત્રની વડી કચેરીએ મોટી કાર્યવાહી કરી છે. સ્ટોરમાંથી લાખો રૂપિયાનું મટીરીયલ બારોબાર બહાર કાઢી ખાનગી સોલાર કંપનીને વેચી નાખવાના આક્ષેપો વચ્ચે ત્રણ ડેપ્યુટી ઇજનેર સહિત કુલ પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવતા વીજતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ જેતપુરના RTI એક્ટિવિસ્ટ દ્વારા માહિતીના અધિકાર હેઠળ મેળવાયેલી વિગતોના આધારે થયો હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક તબક્કે તપાસ રાજકોટ વીજ તંત્રને સોંપવામાં આવી હતી. જોકે તપાસની કામગીરી અંગે સવાલો ઉઠતા આખરે વડી કચેરીએ સમગ્ર મામલો પોતાના હાથમાં લઈ તપાસ હાથ ધરી હતી.

પાંચ અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી

વડી કચેરી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓમાં ડે. ઈજનેર એન.પી. ગોહેલ, જે. આર. વલેરા, એ.પી. પાનસુરીયા, સુપ્રિન્ટેન્ડન્ટ કે.કે. વાગડિયા અને સ્ટોર કીપર આર.આર. બનારનો સમાવેશ થાય છે.

પ્રકરણ બહાર આવ્યા બાદ કુલ છ અધિકારીઓની ત્રણ દિવસ અગાઉ બદલી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. તેમાં કાર્યપાલક ઇજનેર જેઠવાનો પણ સમાવેશ થાય છે. જોકે ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સમગ્ર પ્રકરણમાં જેઠવાની સીધી ભૂમિકા જણાઈ ન હોવાથી તેમના વિરુદ્ધ સસ્પેન્શનનો આદેશ કરવામાં આવ્યો નથી.

સ્ટોરમાંથી 125 કિ.મી. કંડકટર સહિત મટીરીયલ બહાર કાઢ્યાનો આક્ષેપ

ગત ફેબ્રુઆરી મહિનામાં જેતપુર વીજતંત્રના સ્ટોરમાંથી મોટી માત્રામાં મટીરીયલ બહાર કાઢવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. તેમાં આશરે 125 કિલોમીટર જેટલો આરફીન કંપનીનો ઓલ એલ્યુમિનિયમ કંડકટર, કેબલ તેમજ શ્યામ સેલ કંપનીના 9 મીટર ઊંચાઈના 30 જેટલા લોખંડના પોલનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.

આ મટીરીયલ નિયમિત રીતે ઉપયોગમાં લેવાના બદલે ખાનગી સોલાર કંપનીને વેચી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે.

ગેટ પાસ અને રજીસ્ટરમાં પણ ગોટાળા?

મટીરીયલ બહાર કાઢવાની સમગ્ર પ્રક્રિયા છુપાવવા માટે ગેટ પાસ અને સ્ટોર રજીસ્ટરમાં કથિત રીતે ઘાલમેલ કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ બાબતે RTI મારફતે માહિતી માંગવામાં આવતા દસ્તાવેજોમાં રહેલી વિગતો પરથી સમગ્ર પ્રકરણની ગંધ બહાર આવી હતી.

RTI એક્ટિવિસ્ટ દ્વારા મેળવવામાં આવેલી માહિતીના આધારે આ મામલો ઉઠાવવામાં આવતા વીજતંત્રમાં તપાસનો દોર શરૂ થયો હતો. શરૂઆતમાં રાજકોટ સ્તરે તપાસ સોંપાઈ હતી, પરંતુ તપાસમાં અપેક્ષિત પરિણામ ન મળ્યાના આક્ષેપો વચ્ચે આખરે વડી કચેરીએ જાતે તપાસ હાથ ધરી અને જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી છે.

RTIથી ખુલ્યું કૌભાંડ, હવે તપાસમાં વધુ શું બહાર આવે છે તેના પર નજર

આ સમગ્ર મામલે હાલમાં વડી કચેરીની તપાસ મહત્વની બની છે. રૂ.80 લાખના મટીરીયલનો હિસાબ, સ્ટોરમાંથી મટીરીયલ બહાર કાઢવાની મંજૂરી, ગેટ પાસ-રજીસ્ટરની વિગતો, મટીરીયલ ક્યાં અને કોને પહોંચાડવામાં આવ્યું તેમજ તેમાં અન્ય કોઈની સંડોવણી હતી કે કેમ—તે અંગેની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.

એક RTI એક્ટિવિસ્ટની માહિતી મેળવવાની જહેમતથી શરૂ થયેલા આ પ્રકરણમાં હવે વીજતંત્રની વડી કચેરીએ કડક પગલાં ભરતાં જવાબદારી નક્કી કરવાની દિશામાં કાર્યવાહી આગળ વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE