બાયોફ્યુઅલનો રૂ.46.24 લાખનો માલ લઈ બાકી નીકળતી રકમ પરત ન આપ્યાનો આક્ષેપ : માનવ તથા ટેકનિકલ સોર્સની મદદથી વિરપુર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો…
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5) તથા 318(4) મુજબના ગુનામાં વિરપુર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી નોંધપાત્ર કામગીરી કરી છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય ના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા જેતપુર વિભાગ, જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ વિરપુર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11213001260227/2026થી ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 318(4) મુજબ ગુનો નોંધાયો હતો. ગુનાના આરોપીને ઝડપી પાડવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવતા વિરપુર પોલીસ સ્ટેશનના PI એસ.જી. રાઠોડ, ASI નેહાબેન નરેશભાઈ જોટાણીયા, ASI ભાવેશભાઈ કાથડભાઈ ચાવડા (LCB), UHC વિપુલભાઈ ધીરૂભાઈ રાજપરા, UHC અરવિંદભાઈ નાથાભાઈ દાફડા તથા APC શૈલેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ દ્વારા તપાસ હાથ ધરી હતી,
પોલીસની વિગતો મુજબ આ ગુનાનો આરોપી બ્રીજેશભાઈ મનહરભાઈ કાપડીયા, સુરત ખાતે રહે છે અને જય અલખધણી એન્ટરપ્રાઇઝ નામની પેઢીનો માલિક છે. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદીના કારખાનામાં બનાવવામાં આવેલ કુલ રૂ.46,24,312ની કિંમતનો બાયોફ્યુઅલનો માલ લીધો હતો.
આ માલના વ્યવહાર પેટે આરોપીએ અલગ-અલગ સમયે ફરિયાદીના ખાતામાં કેટલીક રકમ જમા કરાવી હતી. ત્યારબાદ કુલ વ્યવહારમાંથી રૂ.15,01,958ની રકમ બાકી નીકળતી હતી. ફરિયાદી દ્વારા વારંવાર મોબાઇલ ફોન મારફતે બાકી રકમની ઉઘરાણી કરવામાં આવી હોવા છતાં આરોપીએ રકમ પરત ન આપ્યાનો આક્ષેપ છે.
આરોપીએ ફરિયાદીની બાકી રકમનો અંગત ઉપયોગ કરી પરત ન આપતાં ફરિયાદીએ વિરપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ઉપરોક્ત ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનો નોંધાયા બાદ વિરપુર પોલીસ દ્વારા માનવ તથા ટેકનિકલ સોર્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપી અંગે મહત્વની માહિતી મળતાં ગણતરીના કલાકોમાં જ બ્રીજેશભાઈ મનહરભાઈ કાપડીયા, રહે. સુરત, શેડ નં. બી-25, ગ્રાઉન્ડ ફ્લોર, દેવ કેમ્પસ, કોસમાડા રોડ, તા.જી. સુરત.વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પકડાયેલા આરોપી વિરુદ્ધ વિરપુર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ પણ સામે આવ્યો છે. આરોપી વિરુદ્ધ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11213010260262/2026, ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2) મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
વેપારીઓને વિરપુર PIની સાવચેતી રાખવા અપીલ:
વિરપુર પોલીસ સ્ટેશનના PI એસ.જી. રાઠોડ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, કોઈ અજાણી વ્યક્તિ વેપારી કે અન્ય વ્યવસાયિક તરીકે ઓળખ આપી લોભ-લાલચ, વધુ નફાની લાલચ કે અન્ય કોઈ પ્રલોભન આપી નાણાકીય વ્યવહાર કરવા જણાવે ત્યારે સંપૂર્ણ ખરાઈ કર્યા વિના નાણાં આપવાનું ટાળવું.
અજાણી વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર કરતા પહેલાં તેની ઓળખ, સરનામું તથા વ્યવસાયની સંપૂર્ણ ખરાઈ કરી જરૂરી સાવચેતી રાખવી. કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી પોલીસને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી છે.











