ભારે વરસાદની આગાહી વચ્ચે શાળા-કોલેજો બંધ; જિલ્લાના 6 માર્ગો પર વાહનવ્યવહાર સ્થગિત
મોરબી: મોરબી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી વધી રહેલી પાણીની આવકને પગલે મચ્છુ-3 અને ઘોડાધ્રોઇ ડેમ ફરી ઓવરફ્લો થયા છે. આજે સવારે બંને ડેમના એક-એક દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન મોરબી શહેર અને તાલુકામાં આશરે પોણા બે ઇંચ, હળવદમાં સવા ઇંચ, વાંકાનેરમાં એક ઇંચ તેમજ ટંકારા અને માળિયા તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સતત ધીમીધારે વરસાદ ચાલુ હોવાથી વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
સવારે 8 વાગ્યાથી ઘોડાધ્રોઇ ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલીને આશરે 299 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે મચ્છુ-3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડતા પહેલાં ઘોડાધ્રોઇ ડેમના અસરગ્રસ્ત 10 ગામો અને મચ્છુ-3 ડેમના 21 ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા આજે તમામ શાળા, કોલેજો અને ITI સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે જિલ્લાના 6 મુખ્ય માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત હળવદ-સરા રોડ પર આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળતાં આ માર્ગ પણ બંધ કરી દેવાયો છે અને વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને બચાવ એજન્સીઓ સંપૂર્ણ સતર્કતા સાથે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.











