છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એક વ્યક્તિ ફસાયા હોવાની જાણ થતાં રાષ્ટ્રીય આપદા પ્રતિસાદ દળ (NDRF)ની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇન્સ્પેક્ટર બ્રિજેશ વિશ્વકર્માના નેતૃત્વમાં NDRF ટીમ 6B ઘટનાસ્થળે પહોંચી અને સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું.
મળતી માહિતી મુજબ, વાલપુરા ગામના રહેવાસી ભીલ સતીશ કાંતી (ઉંમર 34 વર્ષ) જોખમી પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ NDRFની ટીમે વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને આયોજનબદ્ધ રીતે બચાવ કામગીરી શરૂ કરી હતી.
ટીમની સતર્કતા અને કુશળતાના કારણે ભીલ સતીશ કાંતીને કોઈ ઈજા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને સલામત સ્થળે ખસેડી જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી.
આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ સ્થાનિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ, આપત્તિની સ્થિતિમાં NDRFની ઝડપી કામગીરી અને માનવજીવન બચાવવા પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સામે આવી છે. નાગરિકોએ પણ ટીમના સભ્યોના પ્રયાસોને બિરદાવી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.











