રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્ર સતર્ક: અધિકારીઓ-કર્મચારીઓની તમામ રજાઓ રદ

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે કલેક્ટરની સમીક્ષા બેઠક; જિલ્લામાં હજુ માત્ર 37% વરસાદ, બચાવ દળો સ્ટેન્ડબાય

રાજકોટ: રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ પર આવી ગયું છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશના નિર્દેશથી તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે તેમજ દરેકને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી સંભવિત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી ચોમાસાનો માત્ર 37 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લાના ડેમોમાં હાલ સરેરાશ 35 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે.

સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રેવન્યુ, સિંચાઈ, માર્ગ-મકાન, મહાનગરપાલિકા, પીજીવીસીએલ અને પોલીસ વિભાગના 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. ઉપરાંત કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક બચાવ કામગીરી માટે એસડીઆરએફની ટીમ શાપર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

જિલ્લા તંત્રે આજી, ભાદર, ન્યારી અને મોજ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવા, નદી-નાળાની નજીક ન જવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા લોકોને અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE