DGP કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 110થી વધારી 148 કરાઈ; 15 ડિસેમ્બરે દર વર્ષે થશે સન્માન સમારોહ
ગાંધીનગર: ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓની ઉત્કૃષ્ટ સેવાઓને વધુ વ્યાપક રીતે બિરદાવવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે વાર્ષિક એવોર્ડ સિસ્ટમમાં ઐતિહાસિક સુધારાઓની જાહેરાત કરી છે. વધતી પોલીસ સંખ્યા, નવી યુનિટ્સ અને બદલાતી કામગીરીને ધ્યાનમાં રાખીને DGP કમેન્ડેશન ડિસ્કની સંખ્યા 110થી વધારી 148 કરવામાં આવી છે.
નવી એવોર્ડ નીતિ હેઠળ હવે ગુનાખોરી વિરોધી કામગીરી ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાપન, વહીવટી કામગીરી, ચૂંટણી ફરજ, રમતગમતમાં સિદ્ધિ અને અન્ય અસાધારણ સેવાઓને પણ સમાન મહત્વ આપવામાં આવશે. એવોર્ડ માટેની લઘુત્તમ સેવા મર્યાદા 7 વર્ષમાંથી ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી છે.
આ નિર્ણયની સૌથી મોટી વિશેષતા એ છે કે પ્રથમ વખત પોલીસ વિભાગના સિવિલિયન સ્ટાફને પણ સન્માનની પરિધિમાં સામેલ કરવામાં આવ્યો છે. ‘DGP કમેન્ડેશન રોલ’ અંતર્ગત દર વર્ષે 10 ઉત્કૃષ્ટ સિવિલિયન કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે.
સાથે જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS), ડોગ સ્ક્વોડ, માઉન્ટેડ યુનિટ, આર્મરર અને પોલીસ બેન્ડ સહિતના વિશેષ યુનિટ્સના જવાનોને પણ હવે એવોર્ડ સિસ્ટમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
દર વર્ષે 15 ડિસેમ્બરે, ગુજરાત પોલીસને મળેલા પ્રતિષ્ઠિત **’પ્રેસિડેન્ટ્સ કલર્સ’**ના સ્મૃતિદિવસે DGP કમેન્ડેશન ડિસ્ક અને DGP કમેન્ડેશન રોલનું વિતરણ કરવામાં આવશે.
DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું કે ગુજરાત પોલીસના દરેક અધિકારી, જવાન અને સિવિલિયન કર્મચારીના સમર્પણ અને અસાધારણ કામગીરીને યોગ્ય સન્માન મળે તે જ આ સુધારાનો મુખ્ય હેતુ છે. આ નિર્ણયથી સમગ્ર પોલીસ દળમાં નવી પ્રેરણા અને મનોબળનો સંચાર થશે.











