આગામી સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે; સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેશ ફ્લડ અને લેન્ડસ્લાઈડની ચેતવણી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ચોમાસું વધુ સક્રિય બનતાં રાજ્યમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ નોંધાતા હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. સાથે જ ફ્લેશ ફ્લડ, ભૂસ્ખલન અને મડસ્લાઈડના જોખમને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં સાંબામાં 87 મીમી, કટડામાં 71.2 મીમી, ઉધમપુરમાં 65 મીમી અને જમ્મુ શહેરમાં 52 મીમી વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યું છે, જ્યારે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે.
આગાહી મુજબ 29 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન જમ્મુ વિભાગના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક પૂર અને ભૂસ્ખલનની શક્યતા રહેશે. ત્યારબાદ 3થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદ વધુ તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
વહીવટી તંત્રે સ્થાનિક નાગરિકો, પ્રવાસીઓ અને યાત્રાળુઓને નદી-નાળા, ઝરણાં તથા ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાંથી દૂર રહેવા અપીલ કરી છે. ઉપરાંત હવામાન ખરાબ હોય ત્યારે બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર હવામાન વિભાગ તથા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.










