દક્ષિણ ભારતમાં કોરોનાની ચિંતા વધી: કુલ 49 સક્રિય કેસ, ચારના મોત; 24 કલાકમાં 10 નવા દર્દી

આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા, આરોગ્ય વિભાગે દેખરેખ વધારી

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસોમાં ફરી વધારો નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. દક્ષિણ ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 10 નવા કોરોના કેસ નોંધાતા કુલ સક્રિય કેસોની સંખ્યા 49 થઈ છે. વધતા સંક્રમણને પગલે કોરોનાની નવી લહેરની આશંકા વચ્ચે આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં તેજ કર્યા છે.

આંધ્ર પ્રદેશમાં નોંધાયેલા નવા કેસોમાં ગુંટુર જિલ્લામાં 3, એનટીઆર જિલ્લામાં 2 તેમજ અલ્લુરી સીતારામ રાજુ, એલુરુ, કૃષ્ણા, તિરુપતિ અને વિશાખાપટ્ટનમ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યો છે.

હાલમાં 24 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 16 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 5 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4 દર્દીઓના મોત નોંધાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પણ કોરોનાના નવા કેસ સામે આવ્યા છે, જોકે મૃત્યુના તમામ બનાવ દક્ષિણ ભારતમાં નોંધાયા છે. વિવિધ જિલ્લાઓમાં કેસો નોંધાતા આરોગ્ય વિભાગે સર્વેલન્સ, ટેસ્ટિંગ અને મોનિટરિંગ વધુ સઘન બનાવ્યું છે તેમજ લોકોને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE