2,917 વિદેશી દારૂની બોટલો, 4,986 પાઉચ, ટ્રક અને બોલેરો પીકઅપ કબ્જે; બુટલેગર નેટવર્કની તપાસ તેજ
જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામે શેઠવડાળા પોલીસે મોટી કાર્યવાહી કરીને ₹42.37 લાખનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. નદીના કાંઠે ચાલી રહેલી દારૂની હેરાફેરી પર દરોડો પાડતા પોલીસને મોટો જથ્થો હાથ લાગ્યો હતો, પરંતુ મુખ્ય બુટલેગરો સહિત તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે દરોડા દરમિયાન 2,917 ઇંગ્લિશ દારૂની બોટલો, 4,986 દારૂના પાઉચ, દારૂની હેરાફેરીમાં વપરાતો ટ્રક, બોલેરો પીકઅપ તેમજ બેન્ટોનાઇટ પાવડર સહિત કુલ ₹42.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં ભાયાભાઈ લખમણભાઈ છેલાણા અને ભીમાભાઈ ભાયાભાઈ છેલાણાના નામ સામે આવ્યા છે. જોકે દરોડાની કાર્યવાહી દરમિયાન બંને સહિત ટ્રક અને પીકઅપના ચાલકો પોલીસના હાથમાં આવ્યા ન હતા.
શેઠવડાળા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોના સુધી પહોંચાડવાનો હતો અને સમગ્ર બુટલેગર નેટવર્ક સાથે કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.










