શૉર્ટકટ લેવા જતા કાર પાણીના પ્રવાહમાં તણાઈ; નાગરિકોને જોખમી રસ્તાઓથી દૂર રહેવાની અપીલ
વીરપુર: રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે ભારે વરસાદ દરમિયાન કાર પાણીના પ્રવાહમાં તણાઈ જવાની દુઃખદ ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કાર જ્યાં પાણીમાં તણાઈ હતી અને જ્યાંથી મળી આવી હતી તે સમગ્ર વિસ્તારનું રૂબરૂ તેમજ ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, કારમાં સવાર લોકો ગોંડલના રહેવાસી હતા. મુખ્ય હાઇવે પર ટ્રાફિક જામ હોવાથી તેઓ વીરપુરના અંદરના માર્ગ પરથી શૉર્ટકટ લેવા નીકળ્યા હતા, દરમિયાન પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
ઘટના બાદ જિલ્લા એસ.પી. વિજયસિંહ ગુર્જરે નાગરિકોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારો, પુલ અથવા પાણી ભરાયેલા માર્ગ પરથી પસાર થવાનું જોખમ બિલકુલ ન ખેડવું. સુરક્ષા સૌથી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું કે કોઈપણ વિસ્તારમાં પાણી ભરાવા અથવા જોખમી સ્થિતિ અંગે માહિતી મળે તો નાગરિકોએ તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ અથવા 112 ઇમરજન્સી સેવા પર સંપર્ક કરીને મદદ મેળવવી જોઈએ.
તસવીર: ગૌરવ ગાજીપરા, વીરપુર











