વાદળછાયા વાતાવરણથી ગરમી ગાયબ; ઉકળાટમાં રાહત, આગામી દિવસોમાં પણ વરસાદી માહોલની શક્યતા
રાજકોટ: શહેરમાં આજે સતત વરસાદી માહોલ વચ્ચે દિવસભર ઝરમર અને છૂટાછવાયા ઝાપટાં વરસતા રહ્યા હતા. આખો દિવસ આકાશ ઘેરા વાદળોથી છવાયેલું રહેતાં સૂર્યદેવના દર્શન ભાગ્યે જ થયા હતા. વરસાદી વાતાવરણના કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી તથા ઉકળાટમાંથી લોકોને નોંધપાત્ર રાહત મળી હતી.
સ્થાનિક હવામાન કચેરીના જણાવ્યા મુજબ બપોરે 2:30 વાગ્યે શહેરનું મહત્તમ તાપમાન માત્ર 26.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 92 ટકા રહ્યું હતું, જ્યારે પવનની સરેરાશ ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.
સવારે 8:30 વાગ્યે મહત્તમ તાપમાન 27.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.4 ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ 84 ટકા અને પવનની સરેરાશ ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.
દિવસભર શહેરના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતા વાતાવરણ સંપૂર્ણપણે ચોમાસામય બન્યું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા યથાવત છે.










