રાજકોટ: શહેરના દૂધસાગર રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ત્રણ માળના જર્જરિત ક્વાર્ટરનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. જોરદાર ધડાકા સાથે બિલ્ડિંગ જમીનદોસ્ત થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતમાં એક બાળક અને એક પુરુષ ઈજાગ્રસ્ત થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત અંગે વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યાં બિલ્ડિંગ ધરાશાયી થયું તે સ્થળે દરરોજ સાંજના સમયે બકાલા માર્કેટ ભરાય છે. સદનસીબે ઘટના બપોરના સમયે બનતાં મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટના બાદ લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. જોકે સમાચાર લખાય છે ત્યાં સુધી તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નહોતી. કાટમાળ દૂર થયા બાદ જ કોઈ અન્ય વ્યક્તિ તેના નીચે દટાયેલી છે કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી મળી શકશે.
આ ઘટનાએ શહેરમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના અને જર્જરિત મકાનોની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે તંત્ર આવા જોખમી ક્વાર્ટરો અંગે શું નિર્ણય લે છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.











