લોધિકામાં ખનીજ માફિયા સામે એસઓજીનો મોટો પ્રહાર : રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

વડવાજડી અને પીપળીયા પાળમાં સંયુક્ત દરોડા, ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ

રાજકોટ: લોધિકા તાલુકામાં ગેરકાયદેસર ખનન સામે રાજકોટ ગ્રામ્ય એસઓજી અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરતાં ખનીજ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે. વડવાજડી અને પીપળીયા પાળ ગામે પાડવામાં આવેલા બે અલગ-અલગ દરોડામાં રૂ.1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વડવાજડી ગામે વાગુદળ રોડ પર આવેલા ‘ઓમ કોંક્રીટ’ એકમમાં રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર રીતે રેતી અને કપચીનો સંગ્રહ તેમજ વહન થતું હોવાનું સામે આવતાં એસઓજીએ દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી એક ડમ્પર, અંદાજે 190 ટન કપચી અને 100 ટન રેતી સહિત કુલ રૂ.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

બીજી તરફ પીપળીયા પાળ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે મોરમનું ખનન થતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન વાવડીના લીઝ ધારક વિજયપાલસિંહ બલવંતસિંહ ચુડાસમા ગેરકાયદેસર ખનન કરતો ઝડપાયો હતો. પોલીસે સ્થળ પરથી જેસીબી, ડમ્પર અને અંદાજે 100 ટન મોરમ સહિત રૂ.70.50 લાખનો મુદ્દામાલ કબજે કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બંને દરોડામાં જપ્ત કરાયેલા ખનીજ અને વાહનો ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યા છે. વિભાગ દ્વારા કમ્પાઉન્ડિંગ દંડ સહિતની વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એફ.એ. પારગીની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસનું કહેવું છે કે જિલ્લામાં ગેરકાયદેસર ખનન સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE