રાજકોટ: શહેરના હસનવાડી વિસ્તારમાં ચાર મહિના અગાઉ ટ્રાન્સપોર્ટ ઓફિસના કર્મચારી પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં સંડોવાયેલા કુખ્યાત આરોપી રવિ ઉર્ફે ભગત કિશોર ચાવડીયા સામે શહેર પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનર દ્વારા PASA (પાસા) હેઠળ વોરંટ જાહેર કરાતા ભક્તિનગર પોલીસે આરોપીની અટકાયત કરીને તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, આગામી રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને માથાભારે તત્વો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત ગત માર્ચ મહિનામાં હસનવાડીના ધરમ એપાર્ટમેન્ટ પાસે આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસ બહાર અમન નામના યુવક પર થયેલા જીવલેણ હુમલાના આરોપી રવિ ઉર્ફે ભગત સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
ભક્તિનગર પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી દરખાસ્તને પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાએ મંજૂરી આપતાં આરોપી સામે પાસાનું વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તિનગર પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી તેને વડોદરા જેલ હવાલે કર્યો હતો.
પોલીસ રેકોર્ડ અનુસાર, રવિ ઉર્ફે ભગત સામે મારામારી, હત્યાના પ્રયાસ, જાહેરનામાના ભંગ સહિત કુલ આઠ ગુનાઓ નોંધાયેલા છે. શહેર પોલીસનું કહેવું છે કે સમાજમાં ભય ફેલાવતા અને વારંવાર ગુનાખોરી કરતા તત્વો સામે આવી કડક કાર્યવાહી આગળ પણ યથાવત્ રાખવામાં આવશે.










