નવી દિલ્હી: જુલાઈની શરૂઆતથી દેશના મોટા ભાગમાં સક્રિય બનેલા ચોમાસાએ કૃષિ ક્ષેત્ર માટે રાહતના સમાચાર આપ્યા છે. સરેરાશ કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાતા જૂનના અંત સુધી રહેલી 40 ટકાની વરસાદી ખાધ હવે ઘટીને માત્ર 15.2 ટકા પર આવી ગઈ છે. વરસાદમાં આવેલા આ સુધારાથી ખરીફ પાકના વાવેતરને મોટો વેગ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે વરસાદમાં સુધારાને કારણે અછતગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા 262થી ઘટીને 178 થઈ ગઈ છે. આગામી દિવસોમાં વરસાદ અનુકૂળ રહે તો ખરીફ વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.
મધ્ય ભારતમાં ગત સપ્તાહ દરમિયાન ચોમાસું અત્યંત સક્રિય રહેતાં અગાઉ નોંધાયેલી 50 ટકાની વરસાદી ખાધ હવે 4 ટકા સરપ્લસમાં ફેરવાઈ ગઈ છે. દેશના ડાંગર, કઠોળ, તેલીબિયાં અને કપાસ જેવા મુખ્ય ખરીફ પાકના કુલ વાવેતરમાં આ વિસ્તારનો મહત્વપૂર્ણ હિસ્સો હોવાથી ખેડૂતોમાં નવી આશા જાગી છે.
જોકે, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારત માટે સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. આ વિસ્તારોમાં સરેરાશ 39 ટકા વરસાદની અછત નોંધાઈ છે. બિહારમાં 53 ટકા, જ્યારે ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં 40 ટકા ઓછો વરસાદ નોંધાતા ત્યાંના ખેડૂતો માટે ચિંતાની સ્થિતિ યથાવત છે.
સરકારે મહારાષ્ટ્રના 20 જિલ્લાઓ સહિત દેશના 111 જિલ્લાઓને અતિ સંવેદનશીલ જાહેર કર્યા છે, જ્યાં સિંચાઈની સુવિધા મર્યાદિત છે. આવા વિસ્તારોના ખેડૂતોને ડાંગરના બદલે મકાઈ, બાજરી અને મગ જેવા ઓછા પાણીમાં તૈયાર થતા પાકનું વાવેતર કરવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું સમગ્ર દેશમાં સક્રિય બનશે. જોકે પ્રશાંત મહાસાગરમાં સક્રિય અલ નિનોની અસરને કારણે જુલાઈના અંત સુધી કુલ વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન કાર્યાલયે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી તમામ સંબંધિત મંત્રાલયો અને રાજ્યોને સ્થાનિક સ્તરે માઇક્રો-પ્લાનિંગ કરવા સૂચના આપી છે. કૃષિ મંત્રાલયે અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઇમરજન્સી કન્ટિન્જન્સી પ્લાન અમલમાં મૂક્યો છે તેમજ વધુમાં વધુ ખેડૂતોને પાક વીમા યોજનાના દાયરામાં આવરી લેવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.










