વડોદરા: વડોદરામાં વિશ્વાસના સંબંધને કલંકિત કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. ધાર્મિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યાના આરોપસર અકોટા પોલીસે પૂજારી નરેન્દ્ર ભટ્ટની ધરપકડ કરી છે. આરોપી સામે પોક્સો અધિનિયમ સહિત સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સગીરાના સ્વભાવમાં સુધારો થાય તે હેતુથી તેના માતા-પિતાએ પૂજારીને ઘરે ધાર્મિક વિધિ માટે બોલાવ્યો હતો. આ દરમિયાન પૂજારીએ સગીરાને અલગ રૂમમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.
તપાસ દરમિયાન મહત્વનો પુરાવો પણ સામે આવ્યો છે. સગીરાએ હિંમત દાખવી સમગ્ર ઘટનાનો મહત્વનો ભાગ પોતાના મોબાઇલ ફોનમાં કેદ કર્યો હતો. બાદમાં મિત્રની મદદથી આ વીડિયો અને અન્ય ડિજિટલ પુરાવા પોલીસને સોંપવામાં આવ્યા હતા.
પોલીસે પ્રાથમિક તપાસ અને ઉપલબ્ધ પુરાવાના આધારે આરોપી પૂજારીની ધરપકડ કરી છે. હાલ પીડિતાનું નિવેદન, ડિજિટલ પુરાવા અને અન્ય તથ્યોના આધારે કેસની સઘન તપાસ ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું છે કે કેસમાં મળતા દરેક પુરાવાની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવશે અને તપાસ પૂર્ણ થયા બાદ કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.










