ગુજરાતના 164 તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: રાજુલામાં 10.79 ઇંચ વરસાદ, કચ્છ-દેવભૂમિ દ્વારકા હજુ વરસાદની રાહમાં

છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લો સૌથી વધુ ધમરોળાયો, રાજ્યનો મોસમી વરસાદ 17.26 ટકા સુધી પહોંચ્યો

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું હવે ધીમે ધીમે જમાવટ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 164 તાલુકામાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ, અમરેલી જિલ્લો સૌથી વધુ વરસાદથી ધમરોળાયો છે. જેમાં રાજુલામાં સૌથી વધુ 274 મીમી (10.79 ઇંચ) વરસાદ નોંધાયો હતો.

રાજુલા ઉપરાંત ધારીમાં 234 મીમી (9.21 ઇંચ), ખાંભામાં 173 મીમી (6.81 ઇંચ), સાવરકુંડલામાં 128 મીમી (5.04 ઇંચ), જાફરાબાદમાં 125 મીમી (4.92 ઇંચ) અને બગસરામાં 109 મીમી (4.29 ઇંચ) વરસાદ નોંધાતા અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનો સારો માહોલ યથાવત રહ્યો હતો. ડાંગ જિલ્લાના સુબિરમાં 131 મીમી, આહવામાં 116 મીમી વરસાદ નોંધાયો હતો. નવસારીના ચીખલીમાં 83 મીમી, ગણદેવીમાં 67 મીમી, વલસાડના ઉમરગામમાં 69 મીમી તથા કપરાડામાં 53 મીમી વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં 53 મીમી અને ઓલપાડમાં 45 મીમી વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના ડોલવાણમાં 70 મીમી, બારામાં 63 મીમી અને વાલોદમાં 52 મીમી વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં 50 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે મધ્ય ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહ્યો હતો. તારાપુરમાં 40 મીમી વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 18.12 મીમી વરસાદ નોંધાતા મોસમનો કુલ વરસાદ 156.87 મીમી સુધી પહોંચી ગયો છે, જે સીઝનના કુલ સરેરાશ વરસાદના 17.26 ટકા જેટલો છે.

જોકે, રાજ્યમાં ચોમાસું સક્રિય હોવા છતાં કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ પણ વરસાદની ભારે અછત જોવા મળી રહી છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી માત્ર 0.42 ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 0.50 ટકા મોસમી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે વધુ વરસાદ માટે જાણીતો દેવભૂમિ દ્વારકા જિલ્લો આ વખતે હજુ પણ મેઘમહેરની રાહ જોઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં પણ જામજોધપુર સિવાય અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE