ગુજરાત ATSનું મેગા ઓપરેશન: ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી 8 શંકાસ્પદ આતંકી ઝડપાયા

અમદાવાદ: ગુજરાત ATSએ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ મોટી સફળતા મેળવી છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં એકસાથે હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન કુલ 8 શંકાસ્પદ આતંકી તત્વોની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, ઝડપાયેલા શખ્સો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની શંકા છે અને ગુજરાતમાં સંગઠનનું નેટવર્ક સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ATSએ અલગ-અલગ ટીમો બનાવી ગુપ્ત બાતમી અને ટેક્નિકલ ઇનપુટના આધારે વિવિધ સ્થળોએ દરોડા પાડી આ કાર્યવાહી હાથ ધરી હતી. ઓપરેશન દરમિયાન તમામ શંકાસ્પદોને ઝડપી લેવામાં આવ્યા હતા અને હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.

તપાસ એજન્સીઓ ઝડપાયેલા શખ્સોના સ્થાનિક તેમજ આંતરરાજ્ય સંપર્કો, ફંડિંગ, ડિજિટલ પ્રવૃત્તિઓ અને સંભવિત આતંકી ષડયંત્ર અંગે તપાસ કરી રહી છે. સાથે જ તેઓના અન્ય કોઈ સાગરિતો સક્રિય છે કે નહીં તે દિશામાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

ઝડપાયેલા શખ્સોના નામ આ મુજબ છે:

  1. અહમદ અબ્દુલ્લા ગાજીવાળા
  2. ઇબ્રાહિમ મોહમ્મદ હુસેન ઘાઘા
  3. મુદસ્સિર અબ્દુલ્લા ગાજીવાળા
  4. ઝકારિયા દુરાની
  5. મુફ્તિ ફૌજાન
  6. મોહમ્મદ અમીન શેરા
  7. મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી
  8. બિલાલ મોહમ્મદ

ATSએ જણાવ્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને પૂછપરછના આધારે વધુ મહત્વપૂર્ણ ખુલાસા થવાની શક્યતા છે. અધિકૃત તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર કેસની વિગત જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE