દેવગઢબારિયા: દાહોદ જિલ્લાના દેવગઢબારિયા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં મહત્વની કાર્યવાહી કરીને જંબુસર ગામ નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો પીકઅપ સહિત કુલ ₹4,64,254નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, ગાડીનો ચાલક પોલીસને જોઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદે દારૂના વેપાર અને હેરાફેરી સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે દરમિયાન દેવગઢબારિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. રાજપૂતને ખાનગી બાતમી મળી હતી કે GJ-12-AZ-3765 નંબરની મહિન્દ્રા બોલેરો પીકઅપમાં વિદેશી દારૂનો જથ્થો ભરી જંબુસર ગામ થઈ અંતેલા તરફ લઈ જવાઈ રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે જંબુસર ગામ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ પીકઅપ આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈ ચાલક ગાડી સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
પોલીસે પીકઅપની તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 27 પેટીઓમાંથી કુલ 1,142 નાની-મોટી બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹1,64,254 હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બોલેરો પીકઅપ, કિંમત અંદાજે ₹3 લાખ, પણ જપ્ત કરવામાં આવી હતી.
આ મામલે દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. રાજપૂત તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.










