રાજકોટ: છેલ્લા કેટલાંક દિવસોથી આકરા તાપ અને અસહ્ય બફારાથી પરેશાન રાજકોટવાસીઓને આખરે રાહત મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગઈકાલે બપોરે 4થી 6 વાગ્યા દરમિયાન શહેરના વેસ્ટ ઝોનમાં 10 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 16 મીમી વરસાદ નોંધાયો હતો. આજે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી ઇસ્ટ ઝોનમાં 1 મીમી, વેસ્ટ ઝોનમાં 12 મીમી અને સેન્ટ્રલ ઝોનમાં 7 મીમી વરસાદ પડ્યો હતો. બપોર બાદ ફરી ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા ભારે વરસાદી માહોલ સર્જાયો હતો.
આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતાં શહેરમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. સામાન્ય વરસાદ છતાં રેસકોર્સ રિંગ રોડ, કિશાનપરા ચોક, બસ સ્ટેશન વિસ્તાર, લીમડા ચોક, ત્રિકોણ બાગ તેમજ જૂના રાજકોટ અને સદર બજારના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સવારે શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા રહ્યું હતું અને સરેરાશ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
અમદાવાદ સ્થિત હવામાન કેન્દ્રની આગાહી મુજબ 1થી 7 જુલાઈ દરમિયાન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવનાને પગલે કેટલાક દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 5 અને 6 જુલાઈએ ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.










