અનામત સહિત 11 માંગણીઓને લઈને મહાપંચાયત ઉગ્ર બની; લાઠીચાર્જ, આંસુગેસ બાદ 15 લોકોની ધરપકડ
જયપુર: રાજસ્થાનની રાજધાની જયપુરમાં ઘુમંતુ સમાજ દ્વારા અનામત સહિત વિવિધ માંગણીઓને લઈને યોજાયેલી મહાપંચાયત મંગળવારે સાંજે હિંસક બની હતી. સરકાર સાથેની મહત્વપૂર્ણ મંત્રણા કોઈ નિષ્કર્ષ પર ન પહોંચતા આંદોલનકારીઓનો રોષ ભભૂકી ઊઠ્યો હતો અને પોલીસે પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને આંસુગેસના શેલ છોડવાની ફરજ પડી હતી.
વિદ્યાનગર સ્ટેડિયમ ખાતે યોજાયેલી મહાપંચાયત દરમિયાન દિવસભર વિરોધ કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો હતો. જોકે, સરકારના પ્રતિનિધિઓ અને ઘુમંતુ સમાજના આગેવાનો વચ્ચેની ચર્ચા નિષ્ફળ રહેતા વાતાવરણ અચાનક તંગ બની ગયું હતું.
મહાપંચાયત બાદ દેખાવકારોએ મુખ્યમંત્રી નિવાસ તરફ કૂચ કરવાની જાહેરાત કરતાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
સ્થિતિ વધુ બગડતી જોઈ પોલીસ અને સુરક્ષા દળોએ વધારાનો બંદોબસ્ત ગોઠવી લાઠીચાર્જ અને આંસુગેસનો ઉપયોગ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું. સમગ્ર ઘટનાના અનુસંધાને પોલીસે 15 જેટલા શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ઘુમંતુ સમાજ દ્વારા સરકાર સમક્ષ 10 ટકા અનામત, કાયમી વસવાટ માટે જમીનના પટ્ટા સહિત કુલ 11 માંગણીઓ રજૂ કરવામાં આવી છે. સરકાર તરફથી વરિષ્ઠ આઈએએસ અધિકારી કુલદીપ રાંકા અને સમાજના આગેવાનો વચ્ચે અનેક તબક્કાની ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ સહમતિ ન બનતાં આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરતું ગયું.










