દિલ્હીમાં રેડ એલર્ટ, પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો વધ્યો; આસામમાં પૂરની ગંભીર સ્થિતિ
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં નૈઋત્ય ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બનતા અનેક રાજ્યોમાં ભારે વરસાદે જનજીવન ખોરવી નાખ્યું છે. પંજાબને બાદ કરતાં ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ જોર પકડ્યું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ નોંધાઈ છે, જ્યારે દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
જમ્મુ-કાશ્મીરના ડોડા, કિશ્તવાડ અને બાંદીપોરા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ડોડા જિલ્લામાં છ સ્થળોએ વાદળ ફાટ્યાની ઘટનાઓ સામે આવી છે. વરસાદને કારણે અમરનાથ યાત્રાની તૈયારીઓ પર પણ અસર પડી છે, જ્યારે કિશ્તવાડ વિસ્તારમાં મચૈલ અને મિંજાલ યાત્રા અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ સાથે ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે. શિમલા, મનાલી અને ધર્મશાળા તરફ જતાં અનેક માર્ગો અવરોધિત થયા છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન સતત વરસાદને કારણે યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાયા છે અને સુરક્ષાના કારણોસર કેદારનાથ હેલિકોપ્ટર સેવા પણ તાત્કાલિક બંધ રાખવામાં આવી છે.
રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં પણ વરસાદનું જોર વધતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદ બાદ દિલ્હીનું તાપમાન અંદાજે છ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટતાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં કર્ણાટક, ગોવા, કોંકણ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ, વિદર્ભ તેમજ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પણ છૂટાછવાયા ભારે વરસાદ પડી શકે છે.
પૂર્વોત્તર ભારતના આસામમાં પૂરનો પ્રકોપ યથાવત રહ્યો છે. રાજ્યના છ જિલ્લાઓમાં ગંભીર પૂરની સ્થિતિ સર્જાતાં 50 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 221 ગામો હજુ પણ પૂરના પાણીથી પ્રભાવિત છે.
કર્ણાટકના મેંગલુરુમાં ભારે વરસાદ દરમિયાન એક મકાન ધરાશાયી થતાં એક મહિલા અને તેના બે સંતાનોના કરુણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. સતત વરસાદને કારણે દેશના અનેક રાજ્યોમાં તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.










