પોલીસ સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય; સહકર્મચારીઓએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પી
ભુજ: પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા સુભાષચંદ્ર લાલજીભાઈ રાજગોરનું હૃદયરોગના અચાનક હુમલાને કારણે આકસ્મિક અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર પોલીસ વિભાગમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દિવંગત ASI સુભાષચંદ્ર રાજગોરને પોલીસ વિભાગ દ્વારા સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. સહકર્મચારીઓએ ગાર્ડ ઓફ ઓનર આપી અશ્રુભીની આંખે પોતાના સાથી અધિકારીને અંતિમ સલામી અર્પણ કરી હતી.
તેમની અંતિમ યાત્રામાં પરિવારજનો, સગા-સ્નેહીઓ, ગામજનો, પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ફરજ પ્રત્યેની નિષ્ઠા, સરળ સ્વભાવ અને સેવાભાવ માટે જાણીતા સુભાષચંદ્ર રાજગોરનું અવસાન પોલીસ વિભાગ માટે ન પૂરી શકાય તેવી ક્ષતિ માનવામાં આવી રહ્યું છે.










