નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી આરોગ્ય ક્ષેત્રને લગતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યા.
બેઠક દરમિયાન આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ આરોગ્ય સેવાઓને વધુ ડિજિટલ અને સુલભ બનાવવા માટે વિવિધ પ્લેટફોર્મનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ “એનીમિયા મુક્ત ભારત” અભિયાનની નવી માર્ગદર્શિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને અદ્યતન સારવારનો લાભ મળી રહે તે માટે રાજકોટ સ્થિત એઇમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સુવિધા વિકસાવવાની માંગણી કરી હતી. તેમણે જણાવ્યું કે આ સુવિધા ઉપલબ્ધ થતાં પશ્ચિમ ગુજરાતના હજારો દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર મળી શકશે.
ખાદ્યપદાર્થો અને દવાઓમાં ભેળસેળ અટકાવવા માટે તેમણે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006માં જરૂરી સુધારા કરીને વધુ કડક કાનૂની જોગવાઈઓ અમલમાં લાવવાની પણ ભલામણ કરી હતી, જેથી ભેળસેળ કરનારાઓ સામે અસરકારક કાર્યવાહી થઈ શકે.
આ ઉપરાંત દેશમાં એન્ટિબાયોટિક દવાઓના વધતા અને બિનજરૂરી ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે જવાબદાર અને નિયંત્રિત ઉપયોગ માટે રાષ્ટ્રીય સ્તરે અસરકારક નીતિ તથા કડક અમલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે સતત કાર્યરત રહેશે.










