ઉન્નાવ: ઉત્તર પ્રદેશના આગ્રા-લખનૌ એક્સપ્રેસવે પર બુધવારે વહેલી સવારે બસ અને કાર વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક મુસાફરો ઘાયલ થયા છે. અકસ્માત ઉન્નાવ જિલ્લાના બાંગરમાઉ વિસ્તાર નજીક સર્જાયો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હરિયાણાના ફરીદાબાદથી બિહાર જઈ રહેલી પેસેન્જર બસનો ડ્રાઇવર ઊંઘી જતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. બસ ડિવાઇડર તોડીને સામેની લેનમાં ઘૂસી ગઈ હતી અને કુશીનગરથી મથુરા જઈ રહેલી અર્ટિગા કાર સાથે જોરદાર અથડાઈ હતી. ટક્કર બાદ બસ રસ્તા પરથી નીચે ખાબકી પલટી ગઈ હતી.
અકસ્માતમાં કારમાં સવાર પાંચેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બસમાં સવાર મુસાફરો સહિત અન્ય ઘાયલોને સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી. અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી એક્સપ્રેસવે પર ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી.
જિલ્લા મેજિસ્ટ્રેટ ઘનશ્યામ મીણાએ જણાવ્યું કે અકસ્માતનું પ્રાથમિક કારણ ડ્રાઇવરને ઊંઘ આવવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા અને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.










