સુરત: લસકાણા પોલીસે તાંત્રિક વિધિના બહાને મહિલાઓને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના અને રોકડ પડાવતી ટોળકીનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી મહત્વનો મુદ્દામાલ કબજે કરી સમગ્ર કૌભાંડની તપાસ તેજ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ મહિલાઓને ‘પિતૃદોષ દૂર કરવા’ અને ધાર્મિક વિધિ કરાવવાના બહાને પોતાની જાળમાં ફસાવતા હતા. ત્યારબાદ વિધિ માટે સોનાના દાગીના અને રોકડ માંગીને છેતરપિંડી આચરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ છેતરપિંડીથી મેળવેલા લાખો રૂપિયાના સોનાને ઓગાળી તેની લગડીઓ બનાવી બજારમાં વેચવાની તૈયારીમાં હતા. જોકે, પોલીસે સમયસર કાર્યવાહી કરીને સોનાનો મુદ્દામાલ કબજે કરી તેમની યોજના નિષ્ફળ બનાવી હતી.
લસકાણા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ જ પદ્ધતિથી અન્ય કેટલા લોકો છેતરાયા છે, કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં અને સોનાના વેચાણનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.











