સુરત: શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી ખંડેલવાલ હોસ્પિટલના સ્ટાફ રહેઠાણમાં ફરજ બજાવતી એક નર્સનું મૃત્યુ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.
માહિતી મુજબ, મૃતક મંજુલાબેન છેલ્લા ત્રણ મહિનાથી ખંડેલવાલ હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ હોસ્પિટલના સ્ટાફ માટેના રહેઠાણમાં રહેતા હતા. ઘટનાની જાણ થતાં સહકર્મીઓએ પોલીસને જાણ કરી હતી.
મંજુલાબેન મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેસર ગામના રહેવાસી હતા. તેમના લગ્નને ત્રણ વર્ષ થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેમના પતિ વડોદરામાં ખાનગી નોકરી કરે છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કર્યા છે. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પ્રાથમિક તપાસ અને અન્ય કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
પોલીસે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસમાં સામે આવતી વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.











