સુરત: શહેરને ડ્રગ્સમુક્ત બનાવવા માટે ચાલી રહેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ મહિધરપુરા પોલીસે મોટી કાર્યવાહી કરીને 20.159 કિલોગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ગાંજા, રોકડ રકમ અને મોબાઇલ સહિત કુલ રૂ.10.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુમુલ ડેરી રોડ નજીક સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ વ્યક્તિની તપાસ દરમિયાન તેની પાસેથી મોટા પ્રમાણમાં ગાંજો મળી આવતા તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં આરોપી મૂળ ઓડિશાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી ગાંજા ઉપરાંત રોકડ રકમ અને મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા છે.
આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સંકળાયેલા છે તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
સુરત પોલીસનું કહેવું છે કે શહેરમાં નશાકારોબાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સતત કાર્યવાહી ચાલુ રહેશે અને ડ્રગ્સના ગેરકાયદે વેપારમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.











