ચોમાસું પૂરપાટ: દેશના 22 રાજ્યોમાં મેઘરાજાની એન્ટ્રી, 5 જુલાઈ સુધી આખું ભારત થશે વરસાદમય

નવી દિલ્હી: દેશમાં ચોમાસું હવે ઝડપભેર આગળ વધી રહ્યું છે. મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સત્તાવાર પ્રવેશ બાદ હવે ચોમાસું દેશના 22 રાજ્યો સુધી પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ આગામી 10 દિવસમાં, એટલે કે 5 જુલાઈ સુધીમાં સમગ્ર દેશ ચોમાસાની ઝપેટમાં આવી જશે.

ચોમાસાના આગમન સાથે દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજસ્થાનના સીકર અને ચૂરુ જિલ્લામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને અનેક વાહનો પાણીમાં ફસાયા હતા. દિલ્હીમાં પણ આંધી સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં વાદળ ફાટતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે મુંબઈમાં ભારે વરસાદને કારણે અંધેરી સબ-વે અસ્થાયી ધોરણે બંધ કરવો પડ્યો હતો. વિક્રોલી વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનાએ પણ ચિંતા વધારી છે.

પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરથી જાનમાલનું નુકસાન થયું છે. એક વ્યક્તિના મોતની સાથે ચાર લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે, જ્યારે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

હવામાન વિભાગે 26 અને 27 જૂન માટે આસામ, મેઘાલય, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત કોંકણ-ગોવા, કર્ણાટક અને તેલંગાણામાં પણ ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે.

બિહારમાં વીજળી પડવાની ઘટનાઓમાં જાનહાનિના બનાવો નોંધાયા છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં આગામી થોડા દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે.

મુંબઈ, થાણે, પાલઘર અને કોંકણ વિસ્તારમાં ચોમાસું સંપૂર્ણ સક્રિય બનતાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે અને ત્યારબાદ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ ચોમાસું સમગ્ર દેશમાં સક્રિય રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE