તા. 20/06/2026 ના રોજ સાંજે 16:00 કલાકથી 19:00 કલાક દરમિયાન જાફરાબાદ મરીન પોલીસ પોસ્ટ દ્વારા બાબરકોટ ગામ સ્થિત અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની ખાતે “અમરેલી સુરક્ષા કવચ (ASK)” એપ્લિકેશન અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક (SP) શ્રી સંજય ખરાત સાહેબ દ્વારા જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ માટે શરૂ કરવામાં આવેલ “અમરેલી સુરક્ષા કવચ (ASK)” એક મહત્વપૂર્ણ અને નક્કર પહેલ છે. આ એપ્લિકેશનના માધ્યમથી જિલ્લામાં રહેતા શ્રમિકો, કારીગરો તેમજ અન્ય વ્યક્તિઓની માહિતીનું ડિજિટલ રજીસ્ટ્રેશન કરી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ કાર્યક્રમમાં જાફરાબાદ મરીન પોલીસ પોસ્ટના ઇન્ચાર્જ પી.આઈ. શ્રી એમ.બી. ગોહિલ તથા જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યો હતો. ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના HOD શ્રી ઉમેશ પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનાર દરમિયાન કર્મચારીઓ અને મજૂરોને “અમરેલી સુરક્ષા કવચ (ASK)” એપ્લિકેશનના ઉપયોગ, તેના હેતુઓ અને લાભો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એપ્લિકેશન મારફતે કુલ 67 મજૂર/કારીગરોની નોંધણી (એન્ટ્રી) કરવામાં આવી હતી.
આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા જિલ્લાના નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ વધે અને પોલીસ તથા જનતા વચ્ચે વધુ સારો સંકલન સ્થાપિત થાય તેવો ઉદ્દેશ્ય વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ











