અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો મેગા ઓપરેશન: કરોડોના સટ્ટા રેકેટનો પર્દાફાશ, રૂ. 324 કરોડના સાયબર ફ્રોડના તાર ખૂલ્યા

અમદાવાદ, ૨૦ જૂન: ગુજરાતમાં ગેરકાયદેસર સટ્ટાખોરી અને સાયબર ક્રાઈમના નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરવામાં આવ્યો છે. શહેરના નિકોલ વિસ્તારમાં એસએમસીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને હાઈટેક ઓનલાઈન ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ નેશનલ લેવલના કૌભાંડમાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, આ સટ્ટા નેટવર્કના તાર દેશભરમાં થયેલી રૂ. ૩૨૪ કરોડથી વધુની સાયબર છેતરપિંડી સાથે જોડાયેલા છે. પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધાર વિજય વલ્લભભાઈ કરડાણી સહિત અન્ય સાગરીતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી આધુનિક ડિજિટલ ઉપકરણો સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં હાઈ-ટેક ટેબ્લેટ, સ્માર્ટફોન્સ, એલઈડી ટીવી, સેટઅપ બોક્સ, કેલ્ક્યુલેટર, રોકડ રકમ અને ગુનામાં વપરાતી લક્ઝરી કાર સહિત કુલ રૂ. ૧૫.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ નિકોલ પોલીસ મથકે જુગારધારા, ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો તેમજ આઈટી એક્ટ (IT Act) હેઠળ ગુનો નોંધીને કાયદાનો ગાળિયો મજબૂત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કૌભાંડની તપાસ દરમિયાન એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. સટ્ટાખોરી અને સાયબર ફ્રોડ દ્વારા ખનિજ સમાન કાળી કમાણીને સગેવગે કરવા માટે આ ટોળકી નિર્દોષ અને ગરીબ લોકોના નામે ખોલવામાં આવેલા ડમી “મ્યુલ એકાઉન્ટ્સ” (Mule Accounts)નો ઉપયોગ કરતી હતી. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર કરવામાં આવેલી સઘન ચકાસણીમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી દ્વારા સંચાલિત ૩૫૪ જેટલા શંકાસ્પદ બેંક ખાતાઓ વિરુદ્ધ દેશભરના વિવિધ રાજ્યોમાં ૫૪૨થી વધુ સાયબર ગુનાની ફરિયાદો પહેલેથી જ નોંધાયેલી છે. એસએમસી હાલમાં આ આંતરરાજ્ય કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે બેંક ટ્રાન્ઝેક્શન અને ટેકનિકલ ડેટાના આધારે તપાસનો વ્યાપ વધારી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE