71 વર્ષના વૃદ્ધથી માંડીને યુવાનો પત્તા રમતા હતા! અમદાવાદમાં દિવાળી ટાણે 21 જુગારી રંગેહાથ ઝડપાયા
અમદાવાદ શહેરના શહેરકોટડા વિસ્તારમાં ઘાંચીની ચાલી ખાતે આવેલી એક મિલકતમાં પીસીબી (PCB) ની ટીમે બાતમીના આધારે અચાનક દરોડો પાડીને જુગાર રમી રહેલા ૨૧ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીને પગલે જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
દરોડા અને જપ્ત કરાયેલ મુદ્દામાલની મુખ્ય વિગતો:
-
કુલ મુદ્દામાલ અને રોકડ: આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી રૂ. ૩૯,૫૫૦ રોકડા, રૂ. ૧.૪૪ લાખની કિંમતના ૧૮ મોબાઈલ ફોન, રમવાના પત્તા, જુગારના ચોપડા, કેલ્ક્યુલેટર અને ફર્નિચર સહિત કુલ અંદાજિત રૂ. ૧.૮૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
-
વ્યાપક સામગ્રી: જપ્ત કરાયેલી વસ્તુઓમાં ૩૧૮ છૂટા પત્તા, ૩૪ પત્તાના પેકેટ, ૪૩૨ પત્તાના અન્ય પેકેટ, ૨ નોટપેડ, હસ્તલિખિત જુગારના પોઈન્ટ દર્શાવતી ૪૭ સ્લિપ, ૩ કેલ્ક્યુલેટર, ૪ ટેબલ અને ૧૭ ખુરશીઓનો સમાવેશ થાય છે.
-
વિવિધ જિલ્લાના ૩૨ થી ૭૧ વર્ષના શખ્સો: પકડાયેલા ૨૧ આરોપીઓની ઉંમર ૩૨ થી ૭૧ વર્ષની વચ્ચે છે. તેઓ અમદાવાદ ઉપરાંત પાલનપુર, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને ખેડા સહિતના વિવિધ જિલ્લાઓમાંથી જુગાર રમવા આવ્યા હતા. આમાં ૭૧ વર્ષીય નિતિન પટેલથી લઈને યુવાનો પણ સામેલ છે.
-
મુખ્ય સંચાલક ફરાર: આ કુખ્યાત જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી અલ્પેશ ઉર્ફે ટોનો પટેલ (રહે. સરસપુર પોલીસ ચોકી નજીક, કડિયાવાડ) પોલીસ રેડ પડતાની સાથે જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તે એક લિસ્ટેડ આરોપી છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને શહેરકોટડા પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.










