‘દરેક પ્રેમ સંબંધનો અંત લગ્ન જ હોય તે જરૂરી નથી…’, રેપ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી

જસ્ટિસ વિવેક કુમાર સિંહની સિંગલ બેન્ચે આ મામલાની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, આજકાલ અદાલતોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જ્યારે બે પુખ્ત વયના લોકો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા પરસ્પર સહમતિના સંબંધો તૂટે છે અથવા તેમાં કડવાશ આવે છે. ત્યારે તેને ગુનાહિત રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, એક સમજદાર અને આત્મનિર્ભર પુખ્ત વ્યક્તિને એ વાતની સારી રીતે ખબર હોવી જોઈએ કે માત્ર સંબંધ તૂટી જવાને કારણે કાયદાની મદદથી તેને ગુનો સાબિત ન કરી શકાય.

શું હતો સમગ્ર મામલો?

આ કેસ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો છે. પીડિત મહિલા વર્ષ 2014થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી, તે દરમિયાન તેની મુલાકાત આરોપી યુવક સાથે થઈ હતી. મહિલાનો આરોપ હતો કે, યુવકે લગ્નનો ભરોસો આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં તે પોતાની વાતથી ફરી ગયો હતો. આનાથી નારાજ થઈને મહિલાએ 10 ઓગસ્ટ 2019ના રોજ પ્રયાગરાજમાં બળાત્કાર, મારપીટ અને ધમકી આપવાની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

ફરિયાદ નોંધાયા બાદ થયા હતા લગ્ન

એફઆઈઆર (FIR) દાખલ થયા બાદ બંને પરિવારો વચ્ચે વાતચીત થઈ હતી અને 27 ઓગસ્ટ 2019ના રોજ એક આર્ય સમાજ મંદિરમાં બંનેના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. જો કે, લગ્ન પછી પણ મહિલાએ કેસ પાછો ખેંચ્યો નહોતો અને કોર્ટની કાર્યવાહી ચાલુ રાખી હતી. તેનું કહેવું હતું કે પતિ તેને પત્ની તરીકે રાખતો નથી. ત્યારબાદ જાન્યુઆરી 2020માં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. જેને રદ કરાવવા માટે પતિએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

અદાલતમાં બંને પક્ષોની દલીલો

સુનાવણી દરમિયાન આરોપીના વકીલે દલીલ કરી હતી કે બંને છેલ્લા 5 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આ એફઆઈઆર માત્ર એક તૂટેલા સંબંધનો ગુસ્સો છે. વકીલે એમ પણ જણાવ્યું કે મહિલા ઉચ્ચ શિક્ષિત છે અને તેની પાસે MA, LLB અને B.Ed જેવી ડિગ્રીઓ છે. બીજી તરફ, મહિલાના વકીલ અને સરકારી વકીલે આ દલીલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, મહિલાનું 5 વર્ષ સુધી શોષણ કરવામાં આવ્યું અને યુવકે માત્ર કાનૂની કાર્યવાહીથી બચવા માટે જ દેખાવ ખાતર લગ્ન કર્યા હતા.

કોર્ટનો આખરી ચુકાદો

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ સિંહની બેન્ચે જણાવ્યું કે, મહિલા એટલી ભણેલી-ગણેલી અને સમજદાર છે કે તે પોતાના નિર્ણયો અને તેના પરિણામોને સારી રીતે સમજી શકે છે. એવું ન કહી શકાય કે શારીરિક સંબંધ બાંધવા માટે તેની સહમતિ કોઈ છેતરપિંડી કે ભ્રમમાં રાખવામાં આવીને લેવાઈ હતી. કોર્ટે માન્યું કે, આ સ્પષ્ટપણે એક પ્રેમ સંબંધ તૂટવાનો મામલો છે.આમાં બળાત્કારનો કોઈ ગુનો બનતો નથી. અદાલતે સ્થાનિક કોર્ટમાં ચાલી રહેલા આ કેસને સમયનો બગાડ ગણાવીને સંપૂર્ણપણે રદ કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE