ભારત-એ અને શ્રીલંકા-એ વચ્ચેની મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ, વૈભવ સૂર્યવંશી અને વિશેન હલમ્બેજ વચ્ચે ઉગ્ર દલીલો અને ધક્કામુક્કી થઈ હતી. આ મામલે કડક વલણ અપનાવતા મેચ રેફરી પ્રદીપ જયપ્રગાશે શ્રીલંકન ખેલાડી વિશેન પર દંડ ફટકાર્યો છે. જોકે, ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશી સામે કોઈ કાર્યવાહી કે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે નહીં, તેની માહિતી હજુ સામે આવી નથી. એવું માનવામાં આવે છે કે, ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સાથે ગેરવર્તણૂક કરનાર શ્રીલંકન ખેલાડી વિશેન હલમ્બેજને આ મામલે સૌથી મુખ્ય અને મોટી સજા મળી છે.
નિરોશન ડિકવેલા પર પણ મેચ રેફરીએ દંડ લગાવ્યો
રસપ્રદ વાત એ છે કે મેચ રેફરીએ શ્રીલંકા-એ ના વિકેટકીપર નિરોશન ડિકવેલા પર પણ દંડ લગાવ્યો છે. આ બાબત આશ્ચર્યજનક એટલા માટે છે કારણ કે ડિકવેલા એ જ ખેલાડી હતો જેણે મેદાન પર હલમ્બેજ અને વૈભવ સૂર્યવંશી વચ્ચે થઈ રહેલી લડાઈને શાંત પાડી હતી. જોકે, એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ડિકવેલાને આ લડાઈના કારણે સજા નથી મળી, પરંતુ તેના પર અન્ય કોઈ નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવ્યો છે. તેના પર મેદાન પર અમ્પાયર સામે વધુ પડતી અપીલ કરવા બદલ દંડ ફટકારાયો છે.
અમ્પાયરોના રિપોર્ટ પર કોઈ સુનાવણી વિના જ રેફરીએ નિર્ણય લીધો
મેચ રેફરી પ્રદીપ જયપ્રકાશે આ મામલે બંને ટીમના ખેલાડીઓને બોલાવીને કોઈ આમને-સામને પૂછપરછ કે ઔપચારિક સુનાવણી હાથ ધરી નહોતી. તેમણે મેદાન પર હાજર અમ્પાયરોના રિપોર્ટને સાચો માન્યો અને તેના આધારે જ ખેલાડીઓને સીધી સજા સંભળાવી દીધી. 42 વર્ષના પ્રદીપ જયપ્રકાશ શ્રીલંકાના પૂર્વ ફાસ્ટ બોલર છે. તેમણે પોતાની આખી કરિયરમાં માત્ર એક જ ઇન્ટરનેશનલ મેચ રમી છે. જે વર્ષ 2005માં ભારત સામે હતી. રસપ્રદ વાત એ છે કે, તેમણે પોતાના જીવનની એ એકમાત્ર મેચ પણ દામ્બુલાના મેદાન પર જ રમી હતી.
SLCની આ કાર્યવાહીમાં ICCની કોઈ ભૂમિકા નથી
ટ્રાય-સિરીઝની ચોથી મેચમાં મેદાન પર જે કંઈ પણ થયું, તેને લઈને શ્રીલંકાના ક્રિકેટ જગતમાં ઘણો આઘાત અને પસ્તાવો છે. ત્યાંના લોકો એ વાતથી વધુ પરેશાન છે કે, ભારત અને શ્રીલંકાના ખેલાડીઓ વચ્ચે આ શરમજનક લડાઈ ખુદ તેમના જ દેશ શ્રીલંકામાં થઈ. તમને જણાવી દઈએ કે, દોષિત ખેલાડીઓ સામે આ કડક કાર્યવાહી શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) દ્વારા કરવામાં આવી છે.જેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)નો કોઈ હાથ નથી.
Post Views: 0











