ફતેપુરાના ઇટા ગામમાં રસ્તો બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં: તંત્રની રહેમનજર હેઠળ અસામાજિક તત્વો બેફામ

ફતેપુરા તાલુકાના ઇટા ગામના ટેકરા ફળિયામાં રહેતા ગ્રામજનો માટે વર્ષો જૂનો મુખ્ય માર્ગ અસામાજિક તત્વો દ્વારા બંધ કરી દેવામાં આવતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તો મંજૂર થયેલ હોવા છતાં, આ માર્ગ પર કોટ કરી દેવાતા ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

ટેકરા ફળિયામાં અંદાજે 25 થી 30 પરિવારો વસવાટ કરે છે. આ વિસ્તારમાં જવા માટેનો આ મુખ્ય માર્ગ છે. જેનો ઉપયોગ પેઢીઓથી કરવામાં આવે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ રસ્તો બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓને આંગણવાડી અને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં, આ માર્ગ આગળ જતાં સ્મશાન તરફ પણ જાય છે, જે ધાર્મિક અને સામાજિક અવરજવર માટે અત્યંત આવશ્યક છે.

તંત્રની કામગીરી પર સવાલો

સ્થાનિકોએ જણાવ્યું કે, અંદાજે એક મહિના પહેલા આ બાબતે ફતેપુરા મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે મામલતદાર અને સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી. પરંતુ તંત્રની તપાસ છતાં માત્ર બે જ દિવસમાં રસ્તાની વચ્ચે કોટ (દીવાલ) ચણી લેવામાં આવી, જે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અથવા અસામાજિક તત્વો સાથેની સાંઠગાંઠ તરફ આંગળી ચીંધે છે.

ચોમાસામાં વધશે મુશ્કેલી

ગ્રામજનોએ ભય વ્યક્ત કર્યો છે કે, જો આ રસ્તો વહેલી તકે ખુલ્લો કરવામાં નહીં આવે, તો આવનારા ચોમાસા દરમિયાન પરિસ્થિતિ અત્યંત વિકટ બનશે. કાદવ-કીચડના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ દુષ્કર બની જશે.

ગ્રામજનોની માંગ:

અવરોધરૂપ કોટ તાત્કાલિક તોડી પાડવામાં આવે. વર્ષો જૂનો અને મંજૂર થયેલો રસ્તો પૂર્વવત કરવામાં આવે. અસામાજિક તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે, તંત્ર ફરી એકવાર માત્ર કાગળ પર તપાસ કરીને સંતોષ માનશે કે, પછી ગ્રામજનોની મુશ્કેલીનો કાયમી ઉકેલ લાવીને ન્યાય અપાવશે.

Leave a Comment

READ MORE

READ MORE