મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર થયેલા હુમલાની આગ હજુ શાંત થઈ નહોતી ત્યાં હવે કલ્યાણ બેનર્જી પર હુમલો થયો છે. આજે હુગલીમાં ઉશ્કેરાયેલા ટોળાએ TMC સાંસદ કલ્યાણ બેનર્જીને ઘેરી લીધા હતા અને તેમની સાથે મારપીટ કરી હતી. આ હુમલા દરમિયાન કલ્યાણ બેનર્જીના માથામાં પથ્થર વાગવાને કારણે લોહી વહેવા લાગ્યું હતું. ઘટનાસ્થળે તહેનાત મિલિટરીના જવાનોએ કોઈક રીતે તેમને ટોળાના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ, ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને ટોળાને વિખેરવામાં આવ્યું હતું.
આવેદનપત્ર આપવા પોલીસ સ્ટેશન ગયા હતા કલ્યાણ બેનર્જી
તમને જણાવી દઈએ કે, કલ્યાણ બેનર્જી હુગલીના ચંદીતલા પોલીસ સ્ટેશનમાં પક્ષના કાર્યકરોની મુક્તિ માટે આવેદનપત્ર આપવા ગયા હતા, જ્યાં તેઓ ટોળાની અરાજકતાનો ભોગ બન્યા હતા. પ્રદર્શનકારીઓએ તેમને ઘેરી લીધા, કાળા ઝંડા બતાવ્યા, સૂત્રોચ્ચાર કર્યા અને કથિત રીતે તેમના પર હુમલો કર્યો.
બીજી તરફ, કલ્યાણ બેનર્જીના સમર્થકોએ ભાજપ (BJP) પર હુમલો કરાવવાનો આરોપ લગાવીને પોલીસ કેસ દાખલ કરવાની માંગ કરી છે. આ હુમલાની માહિતી મમતા બેનર્જીને પણ આપી દેવામાં આવી છે, જેઓ અભિષેક પર થયેલા હુમલાને કારણે પહેલાથી જ ગુસ્સામાં છે.
પથ્થર કે દડા જેવી ભારે વસ્તુથી હુમલો
તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે તેમના પર પથ્થર કે દડા જેવી કોઈ ભારે વસ્તુથી હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે તેમનું માથું ફૂટી ગયું છે. તેઓ પોતાની પાર્ટીના ધરપકડ કરાયેલા નેતાઓ અને કાર્યકરોની મુક્તિની માંગ સાથે આવેદનપત્ર આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ત્યારે જ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા હતા. ભાજપના કાર્યકરોએ તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો સામે ‘ચોર-ચોર’ ના નારા લગાવ્યા હતા, જેના કારણે માહોલ ગરમાયો હતો અને તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી.
સોનારપુરમાં અભિષેક બેનર્જી પર થયો હતો હુમલો
ગઈકાલે દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના સોનારપુરના કમરાબાદ વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો થયો હતો. ટોળાએ અભિષેકને ઘેરી લીધા હતા અને તેમની વિરૂદ્ધ ‘ચોર-ચોર’ તેમજ ‘બાંગ્લાદેશી’ ના નારા લગાવ્યા હતા.
ટોળાએ તેમના પર પથ્થર, જૂતા અને કાચા ઈંડા ફેંક્યા હતા. એટલું જ નહીં, તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી અને તેમના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતા. સુરક્ષાકર્મીઓએ હેલ્મેટ પહેરાવીને અભિષેકનો બચાવ કર્યો હતો, જેથી તેમના માથા પર ઈજા ન થાય.
અભિષેકના 5 હુમલાખોરોની ધરપકડ
જો કે, પથ્થરો અને ઈંટોના હુમલાને કારણે અભિષેકની આંખ, પીઠ, છાતી અને પગમાં ઈજાઓ થઈ છે. પોલીસે આ મામલે એક્શન લેતા 5 હુમલાખોરોની ધરપકડ કરી છે. પરંતુ આ હુમલાથી મમતા બેનર્જી લાલચોળ છે. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તેઓ ડોક્ટરોને અભિષેકની સારવાર કરતા રોકી રહ્યા છે.
મમતા બેનર્જીની ચેતવણી:
“જો અભિષેકને કંઈ પણ થશે, તો હું કેન્દ્ર સુધી ઈંટથી ઈંટ વગાડી દઈશ.” તેમણે ભાજપ પર બંગાળમાં ગુંડાગર્દી મચાવવાનો અને TMCને ખતમ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
Post Views: 39










