દહેજ ઉત્પીડન અને ઘરેલું હિંસાના એક કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર મૌખિક દાવાઓ કે સામાન્ય આક્ષેપોના આધારે પતિના સંબંધીઓ એટલે કે સાસરિયાં પક્ષ પર કેસ ચલાવી શકાય નહીં; તેના માટે નક્કર પુરાવા હોવા જરૂરી છે. આ ટિપ્પણી સાથે કોર્ટે સાસરિયાં વિરુદ્ધ દહેજ ઉત્પીડન (IPC ની કલમ 498A) હેઠળ નોંધાયેલો કેસ રદ કરી દીધો છે.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ નોંગમેઇકાપમ કોટીશ્વર સિંહની બેન્ચે જણાવ્યું હતું કે, માત્ર નાના-મોટા આક્ષેપો કરીને આખા પરિવારને કોર્ટના ચક્કરમાં ઘસી ન શકાય.
આ પણ વાંચો:
લિવર રહેશે સુપર ફિટ અને હેલ્ધી: રોજિંદા ડાયેટમાં સામેલ કરો આ 5 અકસીર વસ્તુઓ
📌 શું હતો સમગ્ર મામલો?
આ કેસ મધ્યપ્રદેશના ગુના (Guna) શહેરનો છે.
-
લગ્ન અને ફરિયાદ: એક મહિલાના લગ્ન નવેમ્બર 2019માં થયા હતા. ત્યારબાદ જાન્યુઆરી 2023માં મહિલાએ તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ આઈપીસીની કલમ 498A, કલમ 34 અને દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ 3 અને 4 હેઠળ ગુના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
-
મહિલાના આક્ષેપો: મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, લગ્ન સમયે રોકડા, દાગીના અને ઘરવખરી સહિત ભારે દહેજ આપવામાં આવ્યું હતું. તેમ છતાં વધુ દહેજની માંગણી સાથે તેનું માનસિક ઉત્પીડન કરવામાં આવ્યું. તેણે સીસીટીવી કેમેરાથી નજર રાખવી, હરવા-ફરવા પર પ્રતિબંધ અને લાયસન્સવાળી બંદૂકથી ધમકી આપવાના પણ ગંભીર આરોપો લગાવ્યા હતા.
🏛️ હાઈકોર્ટે કેસ રદ ના કર્યો, પણ સુપ્રીમ કોર્ટે ફેરવ્યો ચુકાદો
આ મામલો જ્યારે મધ્યપ્રદેશ હાઈકોર્ટની ગ્વાલિયર બેન્ચ સમક્ષ પહોંચ્યો, ત્યારે હાઈકોર્ટે સાસરિયાં વિરુદ્ધના કેસ કે એફઆઈઆર (FIR) ને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ સંબંધીઓ સામેના આરોપો સાચા જણાય છે.
આ આદેશ વિરુદ્ધ સાસરિયાં પક્ષે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ફગાવી દેતાં કહ્યું કે, આ કેસમાં કાયદાનો દુરુપયોગ થયો છે અને સાસરિયાં સામેની તમામ કાનૂની કાર્યવાહીને સંપૂર્ણપણે ખતમ કરી દીધી છે.
💬 સુપ્રીમ કોર્ટનું મહત્વનું અવલોકન: “કાયદાને હથિયાર ન બનાવો”
સંબંધો બગડે ત્યારે ગુસ્સામાં આખા પરિવારને સંડોવી દેવાય છે:
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, જ્યારે પતિ-પત્ની વચ્ચેના વૈવાહિક સંબંધો બગડવા લાગે છે. ત્યારે ગુસ્સા અને કડવાશમાં અવારનવાર આખા પરિવાર (સાસરિયાં) પર આક્ષેપો લગાવી દેવામાં આવે છે. નીચલી અદાલતોએ આવા મામલાઓમાં પૂરી સાવચેતી રાખવી જોઈએ અને યોગ્ય તપાસ વગર સંબંધીઓ સામે કેસ નોંધવાની મંજૂરી ન આપવી જોઈએ.
કોર્ટે વધુમાં ઉમેર્યું કે, ફરિયાદી મહિલાનો માત્ર એવો આક્ષેપ હોય કે “પરિવારના સભ્યોએ પતિનો સાથ આપ્યો, વચ્ચે હસ્તક્ષેપ ના કર્યો અથવા પત્નીને જ સામંજસ્ય (એડજસ્ટ) સાધવાની કે શાંત રહેવાની સલાહ આપી”, તો તેના આધારે કેસ ન બને. આવા કિસ્સાઓમાં કાયદાનો ઉપયોગ હથિયાર તરીકે ન થઈ શકે. જો કોઈ નક્કર પુરાવા ન હોય, તો માત્ર ‘સંબંધી’ હોવાના નાતે કોઈને પણ આરોપી ન બનાવી શકાય.
Post Views: 27











