ગુજરાત સાયબર ક્રાઈમનું 226 કરોડનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર્દાફાશ:આતંકી ફંડિંગ અને ડ્રગ્સ કનેક્શન ખુલતાં ચકચાર

ગુજરાત સાયબર ક્રાઈમ સેલે 226 કરોડ રૂપિયાથી વધુના આંતરરાષ્ટ્રીય ટેરર ફંડિંગ અને ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરતા દેશભરમાં ચકચાર મચી. તપાસ દરમિયાન હમાસ સહિતના આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનો અને બ્રિટનના ડ્રગ્સ માફિયાઓ સાથે સીધો સંબંધ બહાર આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.ગાંધીનગર સ્થિત Cyber Center of Excellenceને મળેલી ગુપ્ત માહિતીના આધારે બ્લોકચેઇન એનાલિસિસ દ્વારા અગાઉ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જ કેસમાં હવે મુખ્ય આરોપી ગુલામઅલી ઇમ્તીયાઝઅહેમદ કુરેશીની અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા દોઢથી બે વર્ષથી રાજસ્થાનના ઉદયપુરમાં નામ બદલીને છુપાઈ રહ્યો હતો.

તપાસમાં સામે આવ્યું છે કે, ડાર્કવેબ પર ગેરકાયદે ડ્રગ્સ વેચતી વેબસાઇટ ‘ARTEMISLAB.CC’ના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ગુજરાતના મોહસીન સદીક મોલાણીના વોલેટમાં ટ્રાન્સફર થતા હતા. વધુ તપાસ દરમિયાન આ નેટવર્કના તાર ઇઝરાયેલ દ્વારા સીઝ કરાયેલા આતંકી સંગઠન ‘હમાસ’, યમનના ‘હુથિ’ જૂથ અને ઈરાનના IRGC-QF સુધી પહોંચતા હોવાનું ખુલ્યું છે.પોલીસ મુજબ, આ ટોળકી ડાર્કવેબ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓમાંથી મળતી “Dirty Crypto” કરન્સીને મોનેરો જેવી અનામી ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી ત્યારબાદ USDTમાં ફેરવી હવાલા અને આંગડિયા મારફતે આતંકી સંગઠનો સુધી પહોંચાડતી હતી.

આ કેસનો મુખ્ય સૂત્રધાર સલમાન ગુલામઅલી અન્સારી હાલમાં બ્રિટનની જેલમાં 6 વર્ષની સજા ભોગવી રહ્યો છે. તપાસમાં ખુલ્યું છે કે, તે જેલની અંદરથી જ ટેલિગ્રામ અને દુબઈના નેટવર્ક મારફતે બ્રિટનમાં ડ્રગ્સ સપ્લાયનું મોટું રેકેટ ચલાવી રહ્યો હતો. ભારત ખાતે તેના પિતા સુધી કરોડો રૂપિયાની રકમ આંગડિયા મારફતે પહોંચતી હોવાનું સામે આવ્યું છે.હાલમાં ઝડપાયેલા ગુલામઅલી કુરેશીએ પોતાના પિતાના Binance IDનો ઉપયોગ કરીને અંદાજે 10થી 15 કરોડ રૂપિયાની ગેરકાયદેસર USDTની લે-વેચ કરી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.

સાયબર ક્રાઈમ વિભાગની તપાસમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અલગ-અલગ બેંક ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર અંદાજે 935 જેટલી છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે.ભારતના મિત્ર દેશોની સુરક્ષા જોખમમાં મૂકવા તેમજ આતંકી પ્રવૃત્તિઓને આર્થિક મદદ પહોંચાડવાના ગંભીર આરોપસર તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 111(2)(B), 153, 61 તેમજ IT Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.ગુજરાત સાયબર ક્રાઈમ વિભાગે લોકોને અપીલ કરી છે કે થોડા કમિશન અથવા લાલચમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ કે ક્રિપ્ટો એકાઉન્ટ કોઈ અજાણ્યા વ્યક્તિને ઉપયોગ માટે ન આપે અને શંકાસ્પદ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનથી દૂર રહે.

Leave a Comment

READ MORE

READ MORE