પાટવેલ રોડ પર ખુલ્લી ગટરનું કામ અધૂરું, કોન્ટ્રાકટર ફરાર? સરપંચ સામે ઉદાસીનતાના આક્ષેપ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ રોડ વિસ્તારમાં ખુલ્લી ગટર બનાવવાનું કામ છેલ્લા લગભગ 20 દિવસથી અધૂરું હાલતમાં અટકી પડ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાકટર કામ વચ્ચે જ બંધ કરી સ્થળ પરથી ગાયબ થઈ ગયો છે, જેના કારણે રોડ પર ખાડા અને ખુલ્લી ગટર યથાવત રહી ગઈ છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે અધૂરા કામને કારણે રોજિંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલી પડી રહી છે. રોડ પર ધૂળ, કાદવ અને ખુલ્લી ગટરના કારણે અકસ્માતની ભીતિ પણ સતત સતાવી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમ વધી ગયું હોવાનું લોકો કહી રહ્યા છે.

સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે આ મુદ્દે ગ્રામ પંચાયતના સરપંચને ફોન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ “મારામાં આ બધું નથી આવતું” કહી ફોન કાપી નાખવામાં આવ્યો હતો. સ્થળ પર આવી તપાસ કરવાની માંગ છતાં સરપંચ હાજર ન રહ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે.

જાહેર આરોગ્ય અને સલામતીને જોખમરૂપ બનેલી આ સ્થિતિને લઈ સ્થાનિકોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ જિલ્લા વિકાસ અધિકારી (DDO) સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર કોન્ટ્રાકટર સામે પગલાં લઈ ઝડપથી કામ પૂર્ણ કરાવવા માંગ ઉઠી છે.

રિપોર્ટર: યાસીર ગુડાલા, દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE