ચૂંટણી ટાણે મહેસાણા રકતશંજીત: વોર્ડ નં. 4 માં ભાજપ ઉમેદવારના ભાણાની ઘાતકી હત્યા, રાજકીય માહોલ ગરમાયો

મહેસાણા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના તેજ પ્રચાર વચ્ચે લોહિયાળ રાજકીય હિંસા ફાટી નીકળી છે. વોર્ડ નં. 4 માં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો સામસામે આવી જતાં થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણાની છરી અને લાકડીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઘટનાની વિગત: ગઈકાલે મોડી રાત્રે મહેસાણાના તાવડિયા રોડ પર આ હિંસક ઘટના બની હતી. ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી તેમના મિત્ર ધીમંત ચૌધરી અને અન્ય બે સાથીઓ સાથે કારમાં પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન માનવઆશ્રમ ચોકડી નજીક અજાણ્યા 4 થી 5 શખ્સોએ તેમની કારને આંતરી હતી. હુમલાખોરોએ અચાનક જ તીક્ષ્ણ હથિયારો, પાઇપ અને લાકડીઓ વડે જાનલેવા હુમલો શરૂ કરી દીધો હતો.

જાનહાનિ અને ઇજાઓ: આ હુમલામાં મિતેન ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે તેમના મિત્ર ધીમંત ચૌધરી હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારના પતિને પણ આ અથડામણમાં ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.

પોલીસ કાર્યવાહી: ઘટનાની જાણ થતાં જ ‘એ’ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ હત્યાકાંડે શહેરના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE