અમેરિકાના વ્હાઇટ હાઉસમાં હાલમાં જ એક એવો નજારો જોવા મળ્યો જેણે સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં વ્યસ્ત હતા.. ત્યારે એક 2 વર્ષનું નાનકડું બાળક ત્યાં ફ્લોર પર રમતા-રમતા આરામથી સૂઈ ગયું. આ દ્રશ્ય જોઈને ખુદ રાષ્ટ્રપતિ પણ સ્મિત રોકી શક્યા નહીં.
કોણ છે આ બાળક?
આ 2 વર્ષના બાળકનું નામ ટ્રેવિસ સ્મિથ છે. ટ્રેવિસની કહાની કોઈ ચમત્કારથી ઓછી નથી. તે જન્મથી જ સંપૂર્ણપણે સાંભળવામાં અસમર્થ (બધિર) હતો.
મૌનથી સંગીત સુધીની સફર
ટ્રેવિસની માતા સીએરા સ્મિથે ભાવુક થઈને જણાવ્યું કે, “એક સમય એવો હતો જ્યારે હું મારા દીકરાને ગમે તેટલી બૂમો પાડું, તે ક્યારેય સાંભળી શકતો નહોતો. તે પોતાનું નામ પણ ઓળખી શકતો નહોતો. જ્યારે હું તેને ‘આઈ લવ યુ’ કહેતી, ત્યારે તેના ચહેરા પર કોઈ પ્રતિક્રિયા આવતી નહીં.”
નવી ટેકનોલોજીએ આપ્યું નવું જીવન: ટ્રેવિસને રેજેનેરોન (Regeneron) કંપનીની એક નવી જીન થેરાપી (Gene Therapy) દવા આપવામાં આવી હતી. જેને અમેરિકાની FDA દ્વારા માન્યતા મળી છે. એક જટિલ સર્જરી અને આ આધુનિક ઈલાજ બાદ ટ્રેવિસની સાંભળવાની શક્તિ ધીમે-ધીમે પાછી આવી.
ટ્રમ્પ સાથેની મુલાકાત
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતે ટ્રેવિસ અને તેની માતા સાથે વાત કરી હતી. જ્યારે ટ્રમ્પે આશ્ચર્યથી પૂછ્યું કે શું તે ખરેખર કંઈ જ સાંભળી શકતો નહોતો? ત્યારે તેની માતાએ જવાબ આપ્યો કે, “તે 100% બધિર હતો.. પણ હવે તે તમારી અને મારી દરેક વાત સાંભળી શકે છે અને સમજી શકે છે.”
હવે ટ્રેવિસને સંગીત ખૂબ ગમે છે. તે ગીતો સાંભળીને ડાન્સ કરે છે અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે રમવું તેને ખૂબ પસંદ છે. આ હિંમતવાન બાળકની સફર આજે અનેક લોકો માટે આશાનું કિરણ બની છે. દુર્લભ બીમારી સામે ટ્રેવિસનો જંગ: વ્હાઇટ હાઉસમાં ગુંજ્યો ‘આશાનો અવાજ’
ઈલાજ અને સર્જરીની વિગત: ટ્રેવિસ જ્યારે માત્ર 18 મહિનાનો હતો, ત્યારે તેને રેજેનેરોન (Regeneron) કંપનીની આધુનિક ‘જીન થેરાપી’ આપવામાં આવી હતી. અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મંજૂર કરાયેલી આ થેરાપીની સાથે એક વિશેષ સર્જરી પણ કરવામાં આવી હતી. આ સારવાર બાદ ધીમે-ધીમે ટ્રેવિસની સાંભળવાની શક્તિ પાછી આવી અને આજે તે સામાન્ય બાળકની જેમ બધું જ સાંભળી શકે છે.
રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા: આ ચમત્કાર જોઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પે અત્યંત ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “આ બાળક પહેલા 100 ટકા બધિર હતું.પરંતુ આ આધુનિક દવાના કારણે હવે તે પોતાની માતાને ‘આઈ લવ યુ’ કહેતા સાંભળી શકે છે, તે ખરેખર અદ્ભુત છે.”
માતાનો સંતોષ: ટ્રેવિસની માતા સીએરા સ્મિથે જણાવ્યું કે, કેવી રીતે આ દવા અને સર્જરીએ તેના બાળકની દુનિયા બદલી નાખી. હવે ટ્રેવિસ માત્ર સાંભળી જ નથી શકતો, પણ સંગીતનો આનંદ પણ માણી શકે છે. ટ્રમ્પે જ્યારે પૂછ્યું કે શું તે પહેલા કંઈ પણ સાંભળી શકતો હતો? ત્યારે સીએરાએ ખાતરી આપી કે હવે તે બધું જ સમજી અને સાંભળી શકે છે.
કંપની સાથે ખાસ સમજૂતી: નોંધનીય છે કે, આ દવા બનાવનાર કંપનીને પણ વ્હાઇટ હાઉસમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કંપનીએ અમેરિકી બજારમાં દવાઓની કિંમતો ઘટાડવા માટે ટ્રમ્પ પ્રશાસન સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરી છે.જેથી સામાન્ય લોકો સુધી પણ આવી મોંઘી અને જીવનરક્ષક સારવાર પહોંચી શકે.
જીન થેરાપી શું છે ?
જીન થેરાપી એ એક અત્યંત આધુનિક તબીબી સારવાર પદ્ધતિ છે.જેમાં રોગના લક્ષણોને દબાવવાને બદલે તેના મૂળ કારણ એટલે કે ખામીયુક્ત જનીનોને સુધારવા પર ધ્યાન આપવામાં આવે છે. આ પ્રક્રિયામાં શરીરના કોષોમાં રહેલા બગડેલા કે રોગિષ્ઠ જનીનોને દૂર કરીને તેની જગ્યાએ તંદુરસ્ત જનીનો દાખલ કરવામાં આવે છે અથવા હાનિકારક જનીનોને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. આ માટે ખાસ પ્રકારના વાહકો (વેક્ટર્સ) નો ઉપયોગ કરવામાં આવે છે જે નવા જનીનોને સુરક્ષિત રીતે કોષો સુધી પહોંચાડે છે.
વર્તમાન સમયમાં આ થેરાપી કેન્સર, વારસાગત સ્નાયુઓની નબળાઈ અને જન્મજાત બધિરતા જેવા અસાધ્ય રોગો માટે વરદાન સાબિત થઈ રહી છે. વ્હાઇટ હાઉસમાં જોવા મળેલો 2 વર્ષનો ટ્રેવિસ તેનો જીવંત પુરાવો છે, જેણે આ થેરાપી અને સર્જરીની મદદથી સાંભળવાની શક્તિ મેળવી છે. જોકે, આ સારવાર હજુ ઘણી મોંઘી છે.પરંતુ ટ્રમ્પ પ્રશાસન અને દવા બનાવતી કંપનીઓ વચ્ચેના નવા કરારોને કારણે ભવિષ્યમાં સામાન્ય લોકો માટે પણ આ ટેકનોલોજી સસ્તી અને સુલભ બનવાની આશા જાગી છે.
Post Views: 60











