ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. BCCI દ્વારા આનું શેડ્યૂલ પહેલેથી જ જાહેર કરી દેવામાં આવ્યું છે. એવું નથી કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આ પહેલા કોઈ ટેસ્ટ રમાઈ નથી..જોકે તેની ચર્ચા ઓછી થઈ હતી. હવે જ્યારે આ ટેસ્ટ રમાશે.. ત્યારે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) નો ભાગ નહીં હોય. આવું કેમ છે? ચાલો જાણીએ.
6 જૂનથી રમાશે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેનો મુકાબલો
આ વર્ષે જૂન મહિનામાં અફઘાનિસ્તાનની ટીમ ભારત પ્રવાસે આવી રહી છે. આ પ્રવાસમાં પહેલા એક ટેસ્ટ મેચ રમાશે અને ત્યારબાદ ત્રણ વનડે મેચોની સિરીઝ યોજાશે.એકમાત્ર ટેસ્ટ મેચ 6 જૂનથી શરૂ થશે અને 10 જૂન સુધી ચાલશે.આ મુકાબલો ન્યૂ ચંદીગઢમાં રમાશે.
આ અગાઉ વર્ષ 2018માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ રમાઈ હતી. તે અફઘાનિસ્તાનની પ્રથમ ટેસ્ટ મેચ હતી. બેંગલુરુમાં રમાયેલી એ મેચમાં ભારતે એક ઇનિંગ અને 262 રને ભવ્ય વિજય મેળવ્યો હતો.
મુરલી વિજય અને શિખર ધવને ફટકારી હતી સદી
2018ની એ મેચની વાત કરીએ તો, ભારતે પ્રથમ બેટિંગ કરતા 474 રન બનાવ્યા હતા. ઓપનિંગ બેટ્સમેન મુરલી વિજય અને શિખર ધવને શાનદાર સદી ફટકારી હતી. ટીમની કમાન અજિંક્ય રહાણેના હાથમાં હતી. પરંતુ તેઓ માત્ર 10 રન જ બનાવી શક્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની પ્રથમ ઇનિંગ 109 રનમાં અને બીજી ઇનિંગ 103 રનમાં સમેટાઈ ગઈ હતી. હવે લાંબા સમય બાદ બંને ટીમો ફરી ટેસ્ટ મેદાનમાં ઉતરશે.
કેમ આ મેચ WTCમાં સામેલ નથી?
આ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સામેલ ન હોવાનું કારણ સ્પષ્ટ છે. ICCના નિયમો મુજબ, અફઘાનિસ્તાનની ટીમ WTCના આ ચક્ર (સાયકલ)નો હિસ્સો નથી.. જે 2025માં શરૂ થઈને 2027 સુધી ચાલશે.
ICCએ નક્કી કર્યું છે કે, જે ટીમો ટોપ-9 માં હશે.. તેમની વચ્ચે રમાતી ટેસ્ટ મેચો જ WTCનો ભાગ ગણાશે, બાકીની નહીં. માત્ર અફઘાનિસ્તાન જ નહીં, પરંતુ જો કોઈ ટીમ આયર્લેન્ડ કે ઝિમ્બાબ્વે સામે પણ ટેસ્ટ રમે છે. તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ ગણાતી નથી. જે ટીમો WTC રમે છે તેમને ‘એલિટ ગ્રુપ’નો હિસ્સો માનવામાં આવે છે. એટલે કે, આ મેચના હાર-જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર કોઈ અસર પડશે નહીં.
Post Views: 45










