અમદાવાદમાં ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરનો ધમાકેદાર પ્રારંભ: પ્રથમ દિવસે 136 મેચ, આજે ટેબલ ટેનિસની 175 મેચ
અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ‘3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27’ નો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ૧૯ થી ૨૪ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાતી આ રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દેશભરના પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધાના પ્રથમ દિવસે બેડમિન્ટન અને ટેબલ ટેનિસની કુલ ૧૩૬ મેચો યોજાઈ હતી, જ્યારે બીજા દિવસે ટેબલ ટેનિસની ૧૭૫ મેચોનો રોમાંચ જોવા મળ્યો છે.
સ્પર્ધા અને આયોજનની મુખ્ય વિગતો:
-
ભાગ લેનાર સુરક્ષા દળો: આ રાષ્ટ્રીય સ્પર્ધામાં વિવિધ રાજ્યોની પોલીસ ટીમો ઉપરાંત CRPF, BSF, CISF, ITBP, SSB, આસામ રાઇફલ્સ, NSG અને NDRF જેવા કેન્દ્રીય સુરક્ષા દળોના ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યા છે.
-
પ્રથમ દિવસની મેચો અને વિજેતાઓ: પ્રથમ દિવસે બેડમિન્ટન અને ટેબલ ટેનિસ મળીને કુલ ૧૩૬ મેચો રમાઈ હતી. બેડમિન્ટન પુરુષ ટીમ સ્પર્ધામાં CISF, મિઝોરમ, દિલ્હી, કેરળ અને ઉત્તરાખંડની ટીમોએ શાનદાર શરૂઆત કરી છે, જ્યારે મહિલા ટીમ સ્પર્ધામાં ગુજરાત અને મણિપુરની ટીમોએ ૩-૩ જીત નોંધાવી છે. ટેબલ ટેનિસમાં IB અને CRPFની ટીમોએ પ્રભાવશાળી દેખાવ કર્યો છે.
-
બીજા દિવસના મુકાબલા: ટુર્નામેન્ટના બીજા દિવસે ટેબલ ટેનિસની ટીમ સ્પર્ધાઓ નોકઆઉટ તબક્કામાં પ્રવેશી હતી અને વ્યક્તિગત કેટેગરીમાં મેન્સ-વુમન્સ સિંગલ્સ તથા ડબલ્સની ૧૫૧ મેચો સહિત કુલ ૧૭૫ મુકાબલા યોજાયા હતા.










