50,000 ગીતો ગાયા, ‘દિલ કે ટુકડે ટુકડે’થી લોકોને રડાવ્યા; હવે ક્યાં છે દિગ્ગજ ગાયક કે.જે. યેસુદાસ?
‘દિલ કે ટુકડે-ટુકડે કરકે… મુસ્કુરા કે ચલ દીએ…’ આ સુંદર અને ભાવનાત્મક ગીત કાનમાં પડતા જ સીધું હ્રદયને સ્પર્શી જાય છે. આ કલ્ટ ગીતને પોતાનો જાદુઈ અવાજ આપનાર જાણીતા દિગ્ગજ ગાયક કે.જે. યેસુદાસે ભારતીય સિનેમાને ૫૦,000થી વધુ ગીતોની અદભૂત ભેટ આપી છે. દાયકાઓ સુધી સંગીત જગત પર રાજ કરનાર આ મહાન કલાકાર હાલમાં લાઈમલાઈટથી દૂર શાંતિપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે.
કોણ છે કે.જે. યેસુદાસ? કટ્ટાસેરી જોસેફ યેસુદાસ એક ભારતીય પ્લેબેક સિંગર અને સંગીતકાર છે, જેઓ શાસ્ત્રીય, ભક્તિ અને ફિલ્મી ગીતો ગાવા માટે વિશ્વભરમાં જાણીતા છે. તેમને ભારતીય સંગીત ઇતિહાસના સૌથી મહાન ગાયકોમાં સ્થાન આપવામાં આવે છે. છ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે મલયાલમ, તમિલ, કન્નડ, તેલુગુ, હિન્દી, બંગાળી, મરાઠી ઉપરાંત અરબી અને અંગ્રેજી જેવી વિવિધ ભાષાઓમાં ૫૦,000થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. ‘ગોરી તેરા ગાંવ બડા પ્યારા’ અને ‘જબ દીપ જલે આના’ જેવા તેમના અનેક ગીતો સંગીતપ્રેમીઓના દિલમાં હંમેશા અમર રહેશે.
અત્યારે ક્યાં છે અને શું કરે છે યેસુદાસ? દિગ્ગજ ગાયક કે.જે. યેસુદાસ હાલમાં લાઈમલાઈટ અને ગ્લેમરની દુનિયાથી બિલકુલ દૂર રહે છે અને ભાગ્યે જ સાર્વજનિક રીતે જોવા મળે છે. હાલ તેઓ અમેરિકાના ડલાસ શહેરમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી ભારત બહુ ઓછી મુલાકાતે આવ્યા છે. તાજેતરમાં સપ્ટેમ્બર ૨૦૨૬માં તેમને ટેક્સાસમાં કેરળ એસોસિએશનના સુવર્ણ જયંતી સમારોહમાં જોવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સુંદર પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. તેમનું પેતૃક ઘર કેરળના ફોર્ટ કોચ્ચીમાં આવેલું છે, જેને સંગ્રહાલય (મ્યુઝિયમ)માં ફેરવવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે.
જ્યારે યેસુદાસે એવોર્ડ લેવાની ના પાડી દીધી હતી: તેમણે પોતાના જીવનમાં અસંખ્ય મોટા સન્માન મેળવ્યા છે, પરંતુ વર્ષ ૧૯૮૭માં તેમણે કેરળ સરકારને અપીલ કરી હતી કે હવે ભવિષ્યમાં તેમને કોઈપણ એવોર્ડ માટે પસંદ કરવામાં ન આવે. આ પાછળનો તેમનો ઉદ્દેશ્ય નવા અને ઉભરતા કલાકારોને આગળ વધવાની તક મળે અને તેઓ સન્માનથી વંચિત ન રહે તે હતો. તેમને કારકિર્દીમાં ૨૩ વખત કેરળ રાજ્યનો શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો છે અને ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી, પદ્મ ભૂષણ તથા પદ્મ વિભૂષણ જેવા સર્વોચ્ચ નાગરિક સન્માનોથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમને ૮ વખત રાષ્ટ્રીય પુરસ્કાર (નેશનલ એવોર્ડ) પણ પ્રાપ્ત થયો છે.











