મોબાઇલ સિમ કાર્ડને લઈને કેન્દ્ર સરકારના દૂરસંચાર વિભાગ (DoT) દ્વારા મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 24 ઓગસ્ટ 2026થી એક વ્યક્તિના નામે મહત્તમ 9 મોબાઇલ કનેક્શનની મર્યાદા અંગે નવી ચકાસણી વ્યવસ્થા લાગુ થશે. એટલે કે, જે વ્યક્તિના નામે પહેલેથી જ 9 સક્રિય સિમ કાર્ડ છે, તેને હવે નવું મોબાઇલ કનેક્શન આપવામાં નહીં આવે.
એક કંપનીના નહીં, તમામ કંપનીના SIM ગણાશે
આ મર્યાદા કોઈ એક ટેલિકોમ કંપની પૂરતી મર્યાદિત નથી. જો કોઈ વ્યક્તિ પાસે Jio, Airtel, Vi અથવા BSNLના અલગ-અલગ સિમ હોય તો પણ તેના નામે રહેલા તમામ સક્રિય મોબાઇલ કનેક્શનની કુલ સંખ્યા ગણવામાં આવશે. સામાન્ય વિસ્તારોમાં મર્યાદા 9 કનેક્શન છે, જ્યારે જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં મર્યાદા 6 કનેક્શન છે.
ફોટો દ્વારા પણ થશે ચકાસણી
નવી વ્યવસ્થામાં DoTના *Digital Intelligence Platform (DIP)*નો ઉપયોગ કરવામાં આવશે. 23 ઓગસ્ટથી મર્યાદા સુધી પહોંચી ગયેલા ગ્રાહકોની પ્રતિનિધિ ફોટો માહિતી ટેલિકોમ કંપનીઓને ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા છે. 24 ઓગસ્ટથી કંપનીઓએ નવી સિમ અરજી વખતે આ માહિતીના આધારે ચકાસણી કરવાની રહેશે.
ભૂલથી વધારાનું SIM અપાયું તો?
જો ટેકનિકલ ખામી કે અન્ય કારણસર મર્યાદા કરતાં વધુ સિમ કનેક્શન આપવામાં આવે તો વધારાનું કનેક્શન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ શકે છે. સરકારનો હેતુ નકલી સિમ, સિમની ગેરકાયદે હેરાફેરી અને સાયબર ફ્રોડ સામે વધુ કડક નિયંત્રણ લાવવાનો છે.
તમારા નામે કેટલા SIM છે તે ચકાસી લો
જો તમને શંકા હોય કે તમારા નામે તમારી જાણ બહાર કોઈ મોબાઇલ નંબર ચાલુ છે, તો નવું સિમ લેતા પહેલાં તમારા નામે નોંધાયેલા મોબાઇલ કનેક્શનની સંખ્યા ચકાસવી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને એવા લોકો માટે આ નિયમ મહત્વનો છે જેઓ અંગત અને વ્યવસાયિક ઉપયોગ માટે અનેક મોબાઇલ નંબર ધરાવે છે.
24 ઓગસ્ટથી લાગુ થતી નવી વ્યવસ્થાનો સીધો અર્થ:
9 સક્રિય સિમ પૂર્ણ થયા બાદ નવું સિમ કનેક્શન મેળવવું શક્ય નહીં બને.











