New Scam Alert: બોસનો ફોટો જોઈને પૈસા ટ્રાન્સફર કરતા પહેલા ચેતજો! ચીન-પાકિસ્તાન સુધી જોડાયેલા ‘બોસ સ્કેમ’નો પર્દાફાશ

અમદાવાદમાં સાયબર છેતરપિંડીના એક ચોંકાવનારા અને મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. કંપનીના બોસનો ફોટો વોટ્સએપ DP તરીકે લગાવીને કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવતી ગેંગના બે સાગરીતોને અમદાવાદ સાયબર ક્રાઈમ સેલે પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સાયબર નેટવર્કના તાર સીધા ચીન અને પાકિસ્તાન સાથે જોડાયેલા છે.

માલવેર મોકલી કમ્પ્યુટરનો કબજો અને ‘બોસ સ્કેમ’ની મોડસ ઓપરેન્ડી

  • ચાઈનીઝ માલવેરથી હેકિંગ: તપાસ મુજબ, ચાઈનીઝ ગેંગ દ્વારા વિવિધ કંપનીઓને ઈ-મેઈલ મારફતે વાયરસ/માલવેર ધરાવતી ZIP ફાઈલ મોકલવામાં આવતી હતી. ફાઈલ ડાઉનલોડ થતાં જ કમ્પ્યુટરનો એક્સેસ ઠગો પાસે પહોંચી જતો હતો.

  • બોસનો ડમી વોટ્સએપ: ત્યારબાદ કમ્પ્યુટરની માહિતીના આધારે માલિકનો ફોટો DP માં રાખીને એકાઉન્ટન્ટ કે કર્મચારીને મેસેજ મોકલી તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવાની સૂચના આપવામાં આવતી હતી.

અમદાવાદની કંપની પાસેથી ₹1.5 કરોડ પડાવ્યા

  • કરોડોની છેતરપિંડી: અમદાવાદની એક કંપનીના એકાઉન્ટન્ટને બોસના ફોટાવાળા વોટ્સએપ પરથી મેસેજ મળ્યો હતો કે તેઓ મીટિંગમાં વ્યસ્ત છે અને ક્લાયન્ટને તાત્કાલિક ₹1.5 કરોડ ટ્રાન્સફર કરવાના છે.

  • પોલીસ ફરિયાદ: DPમાં બોસનો ફોટો હોવાથી એકાઉન્ટન્ટે નાણાં ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં માલિક સાથે વાત થતાં કૌભાંડનો પર્દાફાશ થયો અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

22 હજાર OTP, 4500 SIM કાર્ડ અને 10 હજાર ડિવાઇસ હેક

  • મોટી સાંઠગાંઠ: ઝડપાયેલા આરોપીઓ સાયબર ગુનેગારોને OTP અને ડમી SIM સપ્લાય કરતા હતા. અત્યાર સુધીમાં તેમણે 22,000 OTP અને 4,500 થી વધુ SIM કાર્ડ સપ્લાય કર્યા હોવાનું બહાર આવ્યું છે.

  • 10 હજાર ડિવાઇસ પ્રભાવિત: ટેકનિકલ તપાસ અનુસાર, આ માલવેર દેશના અંદાજે 10,000 ડિવાઇસ સુધી પહોંચી ચૂક્યો છે.

ચીનથી માલવેર અને પાકિસ્તાનમાં કોલ સેન્ટર

અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના જણાવ્યા મુજબ, આ સ્કેમનું મુખ્ય કોલ સેન્ટર પાકિસ્તાનના ઇસ્લામાબાદ ખાતેથી ચાલતું હતું, જ્યારે માલવેર ચીનથી ઓપરેટ થતો હતો. કેન્દ્ર સરકારના સંકલન સાથે અસરગ્રસ્ત ડિવાઇસમાંથી માલવેર દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

પોલીસની સલાહ: અજાણ્યા ઈ-મેઈલમાંથી ક્યારેય ZIP, EXE કે APK ફાઈલો ડાઉનલોડ કરવી નહીં અને નાણાં ટ્રાન્સફર કરતા પહેલા ડાયરેક્ટ ફોન કરીને ખરાઈ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE