વ્રજ વાટિકા હોટલમાં જુગારધામનો પર્દાફાશ: 9 ઝડપાયા રાજકોટ રેન્જની ટીમનો સપાટો; રૂ.12.26 લાખ રોકડા, બે કાર અને સાત મોબાઇલ સહિત રૂ.41.26 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે રાજકોટ રેન્જ પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જેતપુર-જૂનાગઢ હાઇવે પરની વ્રજ વાટિકા હોટલમાં ચાલતા તીનપત્તીના જુગારધામ પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી 9 ઇસમોને ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, બે કાર અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.41.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા રેન્જ હેઠળના જિલ્લાઓમાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI બી.સી. મીયાત્રા સહિતની ટીમે જુગારની પ્રવૃત્તિ અંગે માહિતી એકત્ર કરી ટેકનિકલ એનાલિસિસના આધારે કાર્યવાહી માટે કવાયત હાથ ધરી હતી.

દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રેન્જ પોલીસે વ્રજ વાટિકા હોટલમાં દરોડો પાડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હોટલના રૂમમાં બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો નસીબ આધારિત જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ 9 ઇસમો મળી આવતા પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રૂ.12,26,100 રોકડા, બે કારની અંદાજિત કિંમત રૂ.28 લાખ તથા સાત મોબાઇલ ફોનની કિંમત આશરે રૂ.1 લાખ મળી કુલ રૂ.41,26,100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા 9 ઇસમો

પોલીસ કાર્યવાહી હેઠળ પરેશભાઇ ઉર્ફે બટર ભિખુભાઇ કાછડીયા, હરેશભાઇ છગનભાઇ સેંજલીયા, ગોગનભાઇ નાથાભાઇ પરમાર, માયાભાઇ જાડાભાઇ માયાણી, રામજીભાઇ ઉર્ફે રામદે ગોગનભાઇ ભોગેસરા, ભાવેશભાઇ રસિકભાઇ ધુળેસીયા, અનિલભાઇ શાંતીભાઇ વેકરીયા, સનાભાઇ દેવાભાઇ બામણીયા અને દીપકભાઇ જમનભાઇ પોલરાનો સમાવેશ થાય છે.

તમામ વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હોટલ સંચાલન અંગે પણ તપાસનો મુદ્દો

પોલીસની પ્રાથમિક કાર્યવાહીમાં વ્રજ વાટિકા હોટલના રૂમમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની હકીકત સામે આવી છે. આથી હોટલના રૂમનો ઉપયોગ કેવી રીતે અને કોની જાણકારીમાં કરવામાં આવતો હતો તે સહિતના મુદ્દાઓ અંગે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

રૂ.41.26 લાખના મુદ્દામાલ સાથે 9 જુગારીઓ ઝડપાતા રાજકોટ રેન્જની આ કાર્યવાહી સ્થાનિક ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સામેની પોલીસની કડક નીતિનું વધુ એક ઉદાહરણ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE