શ્રદ્ધા અને આસ્થાના પવિત્ર પર્વ ‘દશામા વ્રત’ની શરૂઆતને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે વાવ-થરાદ સહિત સમગ્ર વિસ્તારમાં માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વ્રતની પૂર્વ સંધ્યાએ થરાદના મુખ્ય બજારો પૂજાપો અને મૂર્તિઓ ખરીદવા માટે ઉમટેલી ભક્તોની ભીડથી ધમધમી ઊઠ્યા છે.
થરાદમાં પ્રથમવાર ‘કલકત્તાની માટી’ની મૂર્તિઓનું આગમન
આ વર્ષે થરાદના બજારમાં એક વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે. થરાદના ઈતિહાસમાં સૌપ્રથમવાર ખાસ કલકત્તાની માટીમાંથી તૈયાર કરવામાં આવેલી દશામાની અદભુત અને જીવંત લાગતી મૂર્તિઓ વેચાણ અર્થે લાવવામાં આવી છે. આ મૂર્તિઓનું બારીક રંગકામ અને બનાવટ શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જમાવી રહ્યા છે.
શુદ્ધ માટી અને ઈકો-ફ્રેન્ડલી નિર્માણ
જળ પ્રદૂષણ અટકે અને પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી આ વખતે સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. મૂર્તિકારો અને આયોજકો દ્વારા પીઓપી (POP) ની મૂર્તિઓને બદલે પર્યાવરણપૂરક શુદ્ધ માટીની મૂર્તિઓ ખરીદીને ઉત્સવ ઉજવવા માઈભક્તોને અપીલ કરાઈ છે.
મોંઘવારી વચ્ચે વાજબી ભાવથી ભક્તોમાં આનંદ
વધતી મોંઘવારી વચ્ચે પણ સામાન્ય અને મધ્યમ વર્ગને પરવડે તે રીતે મૂર્તિઓના ભાવ રાખવામાં આવ્યા છે:
-
કિંમત: બજારમાં નાની-મોટી સાઈઝ મુજબ ₹250 થી લઈને ₹1500 સુધીની મૂર્તિઓ ઉપલબ્ધ છે.
-
ભક્તોમાં ઉત્સાહ: વ્યાજબી ભાવે આવી સુંદર અને ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ મળી રહેતા માઈભક્તો ઉત્સાહપૂર્વક મૂર્તિઓની ખરીદી કરી પોતાના ઘરોમાં મા દશામાની સ્થાપનાની તૈયારીઓ કરી રહ્યા છે.










